રાજકોટઃ રાજકોટના ધનાઢય શિક્ષણશાસ્ત્રી અને પી. ડી. માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ માલવિયાની અબજોની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ અબજોના કૌભાંડ અંગે વસંતભાઇ માલવિયાના સગા ભાણેજ અને પી ડી માલવિયા કોલેજના ટ્રસ્ટી મનોજ જયંતકુમાર શાહ, તેના પુત્ર વિશાલ મનોજભાઇ શાહ, પ્રિન્સિપાલ કમલેશ મૂળશંકરભાઇ જાની અને કોમ્પ્યુટર પ્રોગ્રામર પરેશ ઉમેશચંદ્ર મહેતાની ધરપકડ થઈ છે. આ ઉપરાંત સુધાબહેન મનોજ શાહની પણ શંકાના આધારે પૂછપરછ થઈ છે.
રાજકોટ શહેરમાં પોપટભાઇ ધનજીભાઇ માલવિયાની પી ડી માલવિયા કોલેજ, માલવિયા પેટ્રોલ પંપ સહિત અબજો રૂપિયાની મિલકત છે. તેમના અવસાન પછી તેમના પુત્ર વસંતભાઇ માલવિયા આ મિલકતના વારસદાર હતા. વસંતભાઇ માલવિયા દ્વારા પી ડી માલવિયા કોલેજનું સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક ટ્રસ્ટ તરીકે સંચાલન હતું.
ગ્રાન્ટેબલ એવી આ કોલેજના ટ્રસ્ટમાં વસંતભાઇ ઉપરાંત ભરતભાઇ દ્વારકાધીશ મહેતા, લલિતકુમાર જયંતભાઇ શાહ, અનંતરાય મોહનજીભાઇ પારેખ, મનોજ જયંતકુમાર શાહ ટ્રસ્ટીઓ હતા.
ધનાઢય વસંતભાઇ માલવિયાનું ફેબ્રુઆરીમાં અવસાન થયા પછી અબજોની મિલકત પચાવી પાડવાના આ કારસા થયા હતા.