જામનગર: જામનગર એરફોર્સમાં દેશની પ્રથમ ત્રણ મહિલા પાયલટમાંની એક અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાડીને ભારત અને ભારતી એરફોર્સના ઇતિહાસમાં એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. અવની ૨૦૧૬માં પાયલટ તરીકે એરફોર્સમાં ભરતી થઈ હતી. ફાઈટર ઉડાડનારી તે પ્રથમ મહિલા પાયલટ બની છે. મહિલાઓને એરફોર્સમાં પાઈલટ તરીકે ભરતી કરવામાં આવતી નથી પણ ભારત સરકારે ૨૦૧૫માં ભરીના નિયમમાં ફેરફાર કરીને એરફોર્સમાં ભરતી થવા માટે મહિલાઓ માટે માર્ગ મોકળો કરતા ૨૦૧૬માં અવની ચતુર્વેદી, મોહના સિંહા અને ભાવના કંઠ એરફોર્સમાં પાયલટ તરીકે જોડાયાં હતાં. આ ત્રણેય મહિલાઓને સઘન ટ્રેનિંગ અપાયા બાદ ફાઈટર વિમાન ઉડાવવાની તાલીમ માટે જામનગર મોકલાઈ હતી. ૧૯મીએ સવારે ફ્લાઇંગ ઓફિસર અવનીએ જામનગર એરબેઝ પરથી સ્વતંત્ર ઉડાન ભરી ભારતના ઇતિહાસમાં એકલા ફાઇટર વિમાન ઉડાવવાનો વિક્રમ સર્જ્યો હતો.