ભાવનગરઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા મીઠી વીરડીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આંધ્ર પ્રદેશમાં ખસેડાતા એકલા ભાવનગરમાંથી ૧૦ હજાર લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારીને માઠી અસર થશે. ૬ હજાર મેગાવોટનો અને ૬૦ હજાર કરોડ રૂપિયાનો આ અણુઉર્જા વીજ પ્રોજેક્ટ હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ૨૦૦૯માં ભાવનગર જિલ્લાના મીઠી વીરડીમાં પ્રોજેક્ટને મંજૂરી મળી હતી અને ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ભાવનગરમાં આ પ્રોજેક્ટ માટે કચેરીનો આરંભ કરીને પ્રોજેક્ટ શરૂ થાય તે માટે ચક્રો પણ ગતિમાન કર્યાં હતાં. જોકે તેની સામે મીઠી વીરડી અને તેની આજુબાજુમાં આવેલા ગામોના સરપંચો દ્વારા આંદોલનનો આરંભ થયો હતો. પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થતાં ૯ વર્ષથી વધુ સમયની મહેનત અને સરકારના લાખો રૂપિયાના ખર્ચ બાદ આખરે મોટો પ્રોજેક્ટ પણ રાજ્યમાંથી સરકીને આંધ્રમાં ગયો છે.