રાજકોટઃ મુંબઈના પૂર્વ શેરીફ, લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ડો. અશોકભાઈ મહેતાનું ટૂંકી માંદગી બાદ ૧૮ માર્ચે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા.
તેમણે છેલ્લા છ દાયકાથી વધુ લાયન્સ કલબના માધ્યમથી તથા જીવનપ્રકાશનાં માધ્યમથી હજારો ગરીબ લાચાર પરિવારને તથા ભયંકર બીમારીથી પીડાતા દર્દી નારાયણની સેવા કરી છે. સૌરાષ્ટ્રના સેંકડો દર્દીઓને એક પૈસા લીધા વિના તત્કાલીન સમયમાં મુંબઈમાં ઓપરેશન, રહેવા-જમવાની સુવિધા અશોકભાઈએ નિઃશુલ્ક કરાવી આપી હતી. તેઓ સૌરાષ્ટ્રના એ વખતના શિક્ષણાધિકારી વી. સી. મહેતાના નાના પુત્ર હતા. ડો. મહેતાએ તેમના ૭૫ વર્ષના જન્મદિવસ નિમિત્તે તેમના કાર્યો થકી મળેલા એક કરોડ રૂપિયા જેવી રકમ સ્વ. દીપચંદભાઈ ગાર્ડી સાથે મળી રાજકોટ બાલભવનને આધુનિક બનાવવા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની ઉપસ્થિતિમાં અર્પણ કરી હતી. આવા તો અનેક સેવા કાર્યમાં તેમણે સહયોગ આપ્યો હતો. તેઓ તેમની પાછળ પત્ની કોકિલાબહેન અને પુત્રી શિલ્પાને વિલાપ કરતાં છોડી ગયા છે.