રાજકોટઃ રાજકોટ નજીકના વિસ્તારમાં સાતેક વેપારીઓ સાથે રૂ. ૧.૨૧ કરોડની ઠગાઈ અને રૂ. ૧૨ લાખની રોકડ રકમ પડાવી લેનારી ટોળકીમાંથી એક મુંબઈના પોલીસ કર્મચારી સહિત સામે પોલીસે ગુનો નોંધી ૨૪મી ફેબ્રુઆરીએ તપાસ આદરી છે.
પેડક રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા વેપારી બીપીનભાઈ ગણેશભાઈ તળપદાએ મુંબઈના મીરા રોડ પર રહેતા યશપાલ ચૌહાણ, કેતન પંચાલ, રાજકોટના હરેશ સોની, નિલેષ સોની, શૈલષ સોની, જાળિયા ગામના અને હાલમાં ગાંધીધામમાં રહેતા રસિક ઉંઘાડ તેમજ મુંબઈના ખેમરાજ ભટ્ટ સહિતના સામે રૂ. ૧.૩૩ કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ તાજેતરમાં નોંધાવી હતી.
આ અંગે પોલીસે તપાસ કરતાં જણાયું કે રસિક ઉંઘાડે મુંબઈના યશપાલ ચૌહાણ, સહિતના સાથે મળીને છ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે.
રસિક ઉંઘાડે તેની સાથેના કેટલાક લોકો સાથે મળીને અન્યો સાથે ધંધાકીય વ્યવહારો કરીને નાણા ચૂકવી દીધા હતા. બાદમાં સાતેય વેપારીઓ પાસેથી રૂ. ૧.૨૧ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના ખરીદ્યા હતા.
નાણા નહીં ચૂકવતા ઉઘરાણી શરૂ કરાઈ હતી અને મુંબઈના ખેમરાજ ભટ્ટને અન્ય એક રાજકોટ લઈ આવ્યો હતો.
ખેમરાજ ભટ્ટે પોતે મુંબઈ પોલીસમાં હોવાની ઓળખ આપીને ઠગાઈનો ભોગ બનેલા વેપારીઓને તેના દાગીના પરત અપાવી દેવાનો વિશ્વાસ કરાવ્યો હતો અને આ કામ માટે રૂ. ૧૨ લાખનો ખર્ચ હોવાનું જણાવી રૂ. ૧૨ લાખની રકમ લઈ લીધી હતી.
આ ઘટનાને એક વર્ષનો સમયગાળો થવા છતાં દાગીના કે રકમ નહીં મળતા મામલો પોલીસમાં નોંધાયો છે.