સોમનાથઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૧મી જુલાઈએ વહેલી સવારે પત્ની અંજલિબહેન સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મહાદેવને જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી હતી. મુખ્ય પ્રધાનના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મુખ્ય પ્રધાને ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્ય પ્રધાન સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ જોડાયા હતા. ગીર સોમનાથમાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે બંધ થતાં મુખ્ય પ્રધાન રોડથી પોરબંદર રવાના થયાં હતાં.
મંદિરના સુરક્ષાકર્મીનો રિપોર્ટ પોઝિટિવ
મહત્ત્વનું એ છે કે ૧૦મી જુલાઈએ જ સોમનાથ મંદિરની સુરક્ષામાં રહેતા લાઈઝનિંગ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. મુખ્ય પ્રધાનની મુલાકાત પહેલાં જ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઈ હતી. જોકે બાદમાં સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના કર્મીઓની તબીબી ચકાસણી હાથ ધરાઈ હતી. એ પછી મુખ્ય પ્રધાને પરિવાર સહિત મહાદેવનાં દર્શન કર્યાં હતાં.