મોરબી: નગરના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની મુસ્લિમ દીકરી સાહેરાબાનુએ હિન્દુ ગ્રંથોનો વિશદ્ અભ્યાસ કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે તેના પિતા અનવરખાન પઠાણ મકાનોને રંગરોગાન કરવાનું કામ કરે છે, પણ તેમણે દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ., એમ.ફિલ. સુધી અભ્યાસ કરાવ્યો હતો.
સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય તેની ઇચ્છા પીએચ.ડી. કરવાની હતી અને આખરે તેનું સપનું સાકાર થયું છે. સાહેરાબાનુએ સંસ્કૃતમાં ‘વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્યઃ એક અધ્યયન’ વિષય પસંદ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક સંસ્કૃત ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. એમ. કે. મોલિયાના માર્ગદર્શનમાં મહા સંશોધન નિબંધ તૈયાર કર્યો હતો.
આજકાલ જ્યારે ધર્મના નામે કટ્ટરવાદ અને કોમી તણાવ ફેલાવવા પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા, સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે. સાહેરાબાનુએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્ત્વ આપી કોમી એખલાસ અને સર્વધર્મ સમભાવની લાગણીને ઉજાગર કરી છે.