રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસે બ્રહ્માકુમારી ભવનમાં રહેતા મયૂરીબબેન મુંગપરા ત્રીજી સપ્ટેમ્બરે સવારે તેમનું ટુવ્હિલર લઈને બેંકના કામે જવા નીકળ્યા હતા. ત્યારે કુવાડવા રોડ પર પહોંચતા રોડ પર ઊભેલી કારના ચાલકે અચાનક પાન-ફાકીની પિચકારી મારવા દરવાજો ખોલ્યો હતો. અચાનક દરવાજો ખૂલતા મયૂરીબહેને ટુવ્હિલરની બ્રેક મારી હતી. છતાં ટુવ્હિલર કારના દરવાજા સાથે અથડાયું હતું. જેને કારણે મયૂરીબહેન વાહન પરથી રોડ પર પટકાયાં હતાં.
આ જ સમયે અહીંથી પસાર થતી એસટી બસના પાછળના તોતિંગ વ્હિલ મયૂરીબહેન પર ફરી વળતા ગંભીર ઇજા થઈ હતી. સવારના સમયે કુવાડવા રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા મયૂરીબેનને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. જીવલેણ અકસ્માતની ઘટના બાદ પોલીસ અને અકસ્માત સર્જનાર ચાલક આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
વાહનચાલકની બેદરકારી અને ભૂલના કારણે અકસ્માતમાં ૨૭ વર્ષનાં બ્રહ્માકુમારી મયૂરીબહેનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ બ્રહ્માકુમારીના પરિવારજનોએ રોષ કે ફરિયાદનો ભાવ વ્યક્ત કર્યા વગર કહ્યું કે, અમારે પોલીસ ફરિયાદ નથી કરવી પરંતુ અકસ્માત સર્જનાર વ્યસન
છોડી દે.