તળાજા: બૃહદ ગીરના રાણીગાળા વિસ્તારમાં ૩૦મીએ રાત્રે વનકર્મીને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહનું પીએમ કરતાં તેના શરીર પર વિચિત્ર કાણું જોવા મળ્યું હતું! સિંહના મોતનું રહસ્ય હજી ગૂઢ બન્યું છે અને તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે મેંદરડાના ગડકબારી વિસ્તારમાં પણ તાજેતરમાં ત્રણ સિંહનાં મોત બાદ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં સિંહોના મોત કૃમિથી થયા હોવાનું જણાયું હતું. આ સિંહોના ગ્રુપના અન્ય છ સિંહો પણ આ રોગનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું. જેથી વનવિભાગ દ્વારા તેને પાંજરામાં રાખી કૃમિની સારવાર આપવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. બીમાર સિંહો તંદુરસ્ત ન થાય ત્યાં સુધી પાંજરામાં કેદ રાખવામાં આવશે. તેવું પણ જાહેર થયું હતું.
આશરે એક મહિનાના ગાળામાં બે સિંહબાળ અને એક માદાનું મોત થયું હતું. બાદમાં તેનું પીએમ કરવામાં આવતા તેના પેટમાં જીવાતો જોવા મળી હતી. જેના કારણે ત્રણેય સિંહોના મોત થયાની હકીકત સામે આવતા તુરંત જ વનવિભાગ દ્વારા તેના ગૃપના ત્રણ સિંહબાળ બે માદા અને એક નરને પાંજરામાં કેદ કરવામાં આવ્યા છે.
આ છ સિંહોને કૃમિનો એક ડોઝ આપ્યા બાદ સિંહોની પરિસ્થિતિમાં સુધારો ન જણાતા બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે અને હજુ પણ આ તમામ સિંહને વનવિભાગ દ્વારા રિંગ પાંજરામાં કેદ રાખી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.