અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વસ્તડી ગામમાં એક એવું મંદિર છે જ્યાં ચોરાયેલી વસ્તુ પાછી મેળવવા માટે લોકો માનતા માને છે. નવાઇની વાત તો એ છે કે જો ચોરાયેલી વસ્તુ પાછી મળી જાય તો તે વસ્તુનો ફોટો પાડીને મંદિરમાં ચઢાવવાની પ્રથા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને કારણે આજે મંદિરમાં હજારોની સંખ્યામાં ફોટોઓ અને વસ્તુઓ એકઠી થઇ છે. આ મેલડી માતાના મંદિરે લોકો દૂર દૂરથી માનતા માટે આવે છે. વસ્તુ ચોરી થાય ત્યારે લોકો પોલીસ ફરિયાદની સાથે મંદિરમાં આવીને માનતા પણ માને છે.
આ મંદિરના પાછળના ભાગમાં બાઇક, સાયકલ, ખાટલા, પલંગ, દરવાજા, ઇલેક્ટ્રીક મોટર જેવી વસ્તુઓ પડેલી છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે ચોરી કરનારી વ્યક્તિઓ પણ મંદિરના પ્રવેશ દ્વારે આ વસ્તુઓ મૂકી જાય છે. જે વ્યક્તિની વસ્તુ ચોરી થઇ હોય તે મંદિરમાં પડેલી વસ્તુઓમાંથી પુરાવા આપીને લઇ જાય છે અને ત્યાર પછી તેનો ફોટો પાડીને ચઢાવે છે. આ મંદિરમાં એવા પણ દાખલા છે કે તકરાર થયા પછી દીકરીનો કરિયાવર સાસરીપક્ષ પરત આપતો ન હોય તે દીકરીના માતા-પિતા અહીં માનતા રાખે છે. જેથી સાસરીપક્ષ તત્કાલ તમામ કરિયાવર પાછો આપી જાય છે. સ્થાનિક લોકો આને માતાજીનો ચમત્કાર માને છે આથી જ ચોરાયેલી વસ્તુઓ પાછી આવે છે.
આ ઉપરાંત જે દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેઓ અહીં આવીને માનતા રાખે છે સંતાન થયા બાદ સંતાનનો ફોટો ચઢાવીને માનતા પૂરી કરે છે.
તેવી જ રીતે કોઇ વ્યક્તિના લગ્ન ન થતા હોય તેઓ માનતા રાખે અને લગ્ન થયા બાદ ફોટો ચઢાવીને માનતા પૂરી કરે છે. આ અંગે મંદિરના પુજારી હેમુભા ગોહિલ કહે છે કે, વસ્તડીના મેલડી માતાના મંદિરે રવિવાર અને મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. લોકોને આસ્થા હોવાથી માનેલી માનતા પૂરી થાય કે પુરાવારૂપે મંદિરમાં ફોટા મંદિરમાં ચઢાવે છે.