મેળાની ભીડમાં ફરતા આરોપીઓની ઇઝરાયેલી પદ્ધતિએ ઓળખ!

Wednesday 05th September 2018 06:48 EDT
 

રાજકોટ: રાજકોટ શહેર પોલીસે લોકમેળામાં બનતા ગુના અટકાવવા, તેમાં રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધી કાઢવા માટે નવતર પદ્ધતિ અપનાવી છે. આ ઇઝરાયલી સુરક્ષા પદ્ધતિ- ઇન્ટેલીજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમનો ભારતમાં સર્વપ્રથમ વખત રાજકોટ શહેરના લોકમેળામાં ઉપયોગ થયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રથમ અને એકમાત્ર વિદેશયાત્રાની ઉપલબ્ધિ સ્વરૂપ ઇઝરાયેલ પાસેથી આ પદ્ધતિ આયાત કરાઈ છે.
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, જન્માષ્ટમીના મેળામાં તેનો પ્રાયોગિક ધોરણે અમલ કરવા નકકી કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં જૂના આરોપીઓનાં ફોટોગ્રાફસ અને અવાજનાં નમૂના પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારી ગણવેશ પર ઇન્ટેલીજન્ટ પેટ્રોલિંગ યુનિટમાં ફિટ કરે છે. તે કેમેરા ઘણી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોની ભીડમાં પણ તેની રેન્જમાં ફરતા ગુનેગારોનાં ચહેરાની સહેલાઇથી ઓળખ કરીને કન્ટ્રોલ રૂમ પર તેનો સંદેશો મોકલે છે.
કન્ટ્રોલ રૂમ પરના અધિકારીઓ આરોપી સાથે મેચ થતા ચહેરા અને અવાજ મામલે તુરંત જ પેટ્રોલિંગ કરી રહેલા અધિકારીને સતર્ક કરે છે. સંદિગ્ધ વ્યકિત વિશે જાણ થતાં સ્થળ પર હાજર પોલીસ અધિકારી તે શકમંદની પુછપરછ કરે.
આ અત્યાધુનિક ઇઝરાયેલી પેટ્રોલિંગ સિસ્ટમના પ્રયોગ દ્વારા માનવીય મર્યાદાઓમાં ઘટાડો કરી ભીડમાં પણ જાણીતા ગુનેગારો, હિસ્ટ્રીશીટર અને નાસતા ફરતા આરોપીઓને સહેલાઇથી ઓળખી શકાય છે. તેથી રાજકોટના મેળામાં આ પદ્ધતિનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવાનું નક્કી કરીને આ પદ્ધતિની અસરકારકતા ચકાસવાનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter