અમદાવાદઃ ભાવનગર ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે, આશરે ૩૦૦૦ કરોડના કૌભાંડમાં ભાગીદાર અને એન્ટીગુઆ ભાગી ગયેલા હીરાવેપારી મેહુલ ચોકસી, તેની કંપની ગીતાંજલિ જવેલર્સ રિટેલ લિ., ગીતાંજલિ જેમ્સ તથા તેમના ભાગીદાર દિગ્વિજયસિંહ જાડેજા આઠ રોકાણકારોને સાત ટકા વ્યાજ સાથે રૂ. ૨૦ હજારથી રૂ. ૧.૪૦ લાખનું વળતર ચૂકવે. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, ચોકસી, તેની કંપનીઓ અને અને જાડેજા સંયુક્ત રીતે માનસિક હેરાનગતિ અને કાયદાકીય ખર્ચપેટે રોકાણકાર દીઠ રૂ. ૧૫૦૦ પણ ચૂકવે. આ રકમ એક માસમાં કોર્ટમાં જમા કરાવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે આ તમામ ભાવનગરના રોકાણકારોઅે ૨૦૧૩-૧૪માં ગીતાંજલિ જવેલર્સ અને ગીતાંજલિ જેમ્સ દ્વારા બહાર પડાયેલી શગુન સ્કીમમાં ૧૨ માસ સુધી રોકાણ કર્યું હતું. યોજના મુજબ બાર માસ બાદ રોકાણકારોને સોનાના ઘરેણા ઉપરાંત વધારાના પૈસા મળવાના હતા. જેમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે.