રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ૨૫ સંશોધકે ભવનના જ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ૧૮ જેટલા સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત કરી રેકોર્ડ સ્થાપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો પ્રો. નિકેશભાઈ શાહ, ડો. પીયૂષ સોલંકી, ડો. ધીરેનભાઈ પંડ્યા, ડો. રૂપલબહેન ત્રિવેદી, ડો. અશ્વિની જોષીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા ૨૫ જેટલા યુવા સંશોધકે ૧૮ સંશોધન પ્રકાશિત કર્યાં છે. આ સંશોધનોને વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ રિવ્યૂ કરીને મંજૂરીની મહોર મારી સૌરાષ્ટ્ર યુનિ.ના સંશોધનોને બિરદાવ્યા છે.
નેનો ટેકનોલોજીના સંશોધનો
સંશોધકોએ જણાવ્યું કે, નેનો ટેક્નોલોજી અને નેનો પાર્ટિકલના વિવિધ સંશોધનોથી ભવિષ્યના ઈલેક્ટ્રોનિકસ ગેજેટ્સ ખૂબ જ ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવી શકાશે તથા વીજઊર્જા તથા ચુંબકીય ઊર્જાના સંગ્રહની ક્ષમતા અનેક ગણી વધવાથી ઊર્જાનો વ્યય ઘટાડી શકાશે. સ્પિન ટેક્નોલોજીના માધ્યમથી મોબાઈલ, કમ્પ્યૂટર, સ્માર્ટ ડિવાઇસિઝ વગેરે ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો હાલની સ્થિતિ કરતાં ૧૦ હજાર ગણા ઝડપી અને એક્યુરેટ બનાવી શકાશે. તે માટેના મટીરિયલ્સ સૌરાષ્ટ્ર યુનિ.ની લેબોરેટરીમાં બનાવી દેશની ટોચની સંશોધન સંસ્થાનોમાં પૃથક્કરણ કરી તેના સંશોધનો પ્રકાશિત કરવામાં સફળતા મળી છે. લોકડાઉનમાં પ્રો. નિકેશ શાહ અને ડો. પી. એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનના યુવા સંશોધકોએ સતત કાર્યશીલ રહી ઉપરોક્ત સિદ્ધિ હાંસલ કરી છે.
સંશોધન કેવી રીતે ઉપયોગી?
સંશોધકોએ સરળ ભાષામાં જણાવ્યું કે, વર્તમાન કમ્પ્યૂટર અને લેપટોપમાં ડેટા સ્ટોરેજમાં ઉપયોગી મેગ્નેટિક હાર્ડ ડિસ્કની સ્ટોરેજ કેપેસિટી ૧૦ ટેરા બાઇટ્સની છે જે આવનારા દિવસોમાં પેરા બાઈટ્સ બની શકશે. અન્ય સ્ટોરેજ તરીકે ઉપયોગી સોલિડ સ્ટેટ ડિવાઈસ (એસએસઆઈ) હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવની સ્વિચિંગ ક્ષમતા અનેક ગણી વધવાથી અને સ્ટોરેજ સેલ નેનો (સૂક્ષ્મ) બનવાથી તેની ક્ષમતા ગિગા બાઈટ્સથી ટેરા બાઈટ્સમાં વધારવી શક્ય બનશે. નેનો મટીરિયલ્સના ઉપયોગથી તૈયાર થતાં સુપર કેપેસિટર્સ વીજઊર્જાના સ્ટોરેજની ક્ષમતામાં અનેક ગણો વધારો થવાની ઈલેક્ટ્રિસિટીના વ્યયને ઘટાડી શકવાનું શક્ય બનશે.
રૂ. ૫૦ લાખથી વધુનું અનુદાન
ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપરોક્ત ૧૮ જેટલા સંશોધનની નોંધ લઇ ભારત સરકારના વિવિધ સંશોધન સંસ્થાન મારફત રૂ. ૫૦ લાખથી વધુનું સંશોધન પ્રકલ્પો માટેનું અનુદાન પણ જાહેર થયું છે.
વિદેશના પ્રતિષ્ઠિત સંશોધન સામયિકોનું સ્થાન
આ સંશોધન અમેરિકા અને યુ.કે સહિતના ૧૮ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાયિકોનું જેવા કે સ્પ્રિનઝર, એલ્સવેર, રોયલ સોસાયટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ વગેરેમાં પ્રસિદ્વ થયા છે.