મોરબી: માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મોટી બરારમાં ચાલતી આ બોગસ કોલ સેન્ટરના દ્વારા બ્રિટનના લોકોને ફસાવીને પાઉન્ડ ખંખેરવામાં આવતા હતા.
બ્રિટનના નાગરિકોની છેતરપિંડી
આરોપીઓ બ્રિટનના નાગરિકોને મેસેજ કરી તમારો ટેક્સ બાકી છે જે ભરી આપશો, નહીં તો તમારા વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી બ્રિટન સ્થિત બેન્કના અલગ-અલગ એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે બ્રિટનના ચલણ પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવી લેતા હતા. આ માટે લેપટોપને જોડીને સર્વર પણ બનાવાયું હતું.
ભાડાના મકાનને જ ઓફિસ બનાવી
માળિયાના મોટી બરાર ગામમાં આવેલા એકલિંગ પેટ્રોલ પમ્પ પાછળ આવેલા પેટ્રોલ પમ્પના માલિકીના જ મકાનમાં છેલ્લાં ત્રણ મહિનાથી મકાન ભાડે રહી કોલ સેન્ટર ચલાવતા હતા. ત્રણ મહિના દરમિયાન તેઓએ ઓફિશિયલ સેન્ટર જેવી જ ઓફિસ ઉભી કરી દીધી હતી.
તાલીમબદ્વ સ્ટાફ રોકાયો
ખૂબ જ વ્યવસ્થિત રીતે ઓનલાઇન મેસેજ કરાતા આ સ્કેન્ડલમાં બ્રિટનના નાગરિકો સાથે બ્રિટન ઇંગ્લિશની વાતચીત કરવા માટે તાલીમબદ્વ માણસોનો સ્ટાફ હતો. તેમજ શું વાતચીત કરવી તે અંગેની પૂરી સ્ક્રિપ્ટ પણ દરેક લેપટોપમાંથી મળી આવી હતી. ઉપરોક્ત બોગસ કોલ સેન્ટર આઇડી આઇબીમ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચલાવવામાં આવતું હતું. બ્રિટનના નાગરિકોને ટેક્સ બાકીના મેસેજ મોકલવામાં આવતા. ત્યારબાદ જે નાગરિકનો ફોન આવે તેની સાથે વાતચીત કરી તેમને ફસાવવામાં આવતા. અને બ્રિટન સ્થિત બેંકોના અલગ અલગ એકાઉન્ટ નંબર આપી પાઉન્ડમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.