અમદાવાદ: પાંચ જેટલા કોંગ્રેસી પક્ષપલટુઓએ તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કર્યા પછી હવે ભાજપની મૂંઝવણ પણ વધી રહી છે. ટિિકટની ફાળવણી માટે પક્ષમાં જ અંદરોઅંદર હોડ જામી રહી છે. કમલમમાં લાલ જાજમ બિછાવવાની ભાજપને ભારે પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હજુ તો પેટાચૂંટણીના ઠેકાણાં નથી ત્યાં મોરબી બેઠક પર દાવેદારોના સમર્થકોએ ટિકિટની માગ બુંલદ બનાવી દીધી છે. જેના કારણે ભાજપ માટે પક્ષપલટુઓ માથાનો દુખાવો બની રહ્યાં છે. મોરબી બેઠક પર પક્ષપલટુ ધારાસભ્ય બ્રિજેશ મેરેજા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિઆ વચ્ચે ટિકિટની અત્યારથી ખેંચતાણ જામી છે.
ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે. આઠ કોંગ્રેસી ધારાસભ્યો પૈકી પાંચ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. હજુ ત્રણ ધારાસભ્યોને ભાજપે પક્ષમાં જોડાવવા આમંત્રણ આપ્યું નથી. લિંબડી, ગઢડા અને ડાંગમાં ભાજપ પક્ષપલટુઓને ટિકિટ આપવા ઇચ્છુક નથી. કેમ કે, સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. ભાજપના કાર્યકરો પણ પક્ષની આ નીતિથી નારાજ છે. લિંબડી અને ગઢડા બેઠક પર ભાજપ પોતાના ઉમેદવારને ઉતારવા તૈયારી કરી રહ્યું છે. પણ પક્ષપલટુઓ ટિકિટ માટે હજુય સચિવાલયના આંટા ફેરા મારી રહ્યાં છે.