મોરબીઃ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ પણ ચાલુ દિવાળી પર્વે સારી નથી.
આઝાદી બાદથી મોરબી શહેર ઘડિયાળ નગરી તરીકે વિશ્વમાં વિખ્યાત છે અને મોરબીમાં બનેલી ઘડિયાળ દુનિયાના વિવિધ દેશોમાં ઘરની શાન બનતી હોય છે. જોકે નોટબંધી અને જીએસટી બાદથી ઘડિયાળ ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી રહી છે તો વળી જીએસટીના ઊંચા સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગને સમાવતા ઘડિયાળ ઉત્પાદન કરતા એકમોના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘડિયાળ ઉદ્યોગમાં રોજગારી મેળવતા શ્રમિકોને પણ મહિનામાં પૂરતા દિવસનું કામ નહિ મળતા રઝળી રહ્યા છે. ઘડિયાળ ઉદ્યોગ સૌથી વધુ મહિલાઓને રોજગારી આપતો ઉદ્યોગ છે. જોકે, હાલ મંદીના માહોલમાં મહિલાઓને પુરતું કામ મળી શકતું નથી અને ઉત્પાદનમાં પણ ૪૦ ટકા જેટલો કાપ મુકવાની ફરજ પડી છે.
મોરબીના ઘડિયાળ ઉત્પાદન એકમોમાં ૧૫૦૦૦થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે. પ્રતિદિન રૂ. ૨૦૦થી લઈને રૂ. ૩૦૦ સુધીનું દૈનિક વેતન મેળવી મહિલા પગભર બનીને પરિવારને સહાયક બની રહી છે.