મોરબીઃ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબીમાં રહેતા અને દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના પુત્ર નિખિલનું એક વર્ષ પહેલાં તપોવન વિદ્યાલયમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ ચોથા દિવસે તેની લાશ મળી હતી. હત્યાના બનાવને એક વર્ષ થઈ ગયું છે ત્યારે પણ નિખિલનો પરિવાર ન્યાય મળે તેની રાહમાં છે. નિખિલના પરિવારજનોએ દીકરાના મૃત્યુ માટે મોરબી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિરના પ્રશાસન સામે આક્ષેપો કર્યા છે. જેના લીધે હરિભક્તોએ જિલ્લા પોલીસને આ કેસની તટસ્થ તપાસ કરવા અને જેની સંડોવણી બહાર આવે તેની સામે કડક પગલાં લેવા માગણી કરી છે. પોલીસે પણ મોરબીના આ ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિરના પ્રશાસનના હરિભક્તોની સામાન્ય પૂછપરછ આદરી છે જોકે તેના કારણે સ્વામીનારાયણ પંથના હરિભક્તોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.