ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં મેડિકલ કોલેજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજને પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં એમબીબીએસની ૧૦૦ બેઠકોમાં વધારો થશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થાય અને એમબીબીએસની બેઠકો વધે તે માટે રાજ્ય સરકારે મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ કરવા કરેલી દરખાસ્તનો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરીને મંજૂરી આપવામાં આવી છે. મોરબીમાં ચાલું વર્ષથી જ એમબીબીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ જશે.
તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં એઇમ્સ જેવી દેશની પ્રથમ હરોળની સંસ્થા આવી રહી છે. રાજ્ય સરકારે તેના માટે જમીન ફાળવી દીધી છે. માર્ગ અને મકાન વિભાગને રસ્તા બનાવવાની કામગીરી માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાથમિક તમામ કામગીરીઓ થઇ ગઇ છે. ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવા માટે રાજ્ય સરકાર આમંત્રણ આપશે. રાજકોટમાં એઇમ્સમાં મેડિકલ કોલેજ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ઊભું કરાશે.