મોરબીઃ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે આઠમી નવેમ્બરે નામચીન મુસ્લિમ માણસ આરિફ ગુલામ મીર તેના મિત્ર ઈમરાન સાથે ઊભા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. પોલીસે ફાયરીંગ કરીના નાસી છૂટેલા ત્રણથી ચારને ઝડપી લેવા શહેરભરમાં નાકાબંધી કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ગોળીબારમાં આરિફ, ઈમરાન અને ૧૩ વર્ષીય કોળી બાળક વિશાલ લક્ષ્મણભાઈ બાંભણિયા સહિત પાંચને ઈજા થઈ હતી. પાંચેયને મોરબીમાં સારવાર અપાયા પછી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિશાલનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
બાળકનું મૃત્યુ થતાં મોરબીમાં તોફાન ફાટી નીકળ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન અને ઠાકર લોજ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાને અંકુશમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બીજા દિવસે નવમીએ પણ આ ઘટનાના પગલે અશાંતિ ફેલાઈ હતી. અંગત અદાવતમાં બાળકનો બોઘ લેવાતા બાળકના પરિવારજનોએ બાળકનો મૃતદેહ નહેરુ ગેટ ચોકમાં જાહેરમાં રાખી આરોપી ન ઝડપાય ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય લઈ દેખાવો કરતા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત પાસેથી એક મળી કુલ બે પિસ્તોલ કબજે લીધી છે સાથે ૨૪ કારતૂસ પણ કબજે કરી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા જાળ બિછાવી છે.