અમદાવાદઃ છેલ્લા એક વર્ષમાં ગીરના સિંહોનાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સિંહોનાં મોતનાં સાચાં કારણો જાહેર ન કરાયા હોવાના આક્ષેપ સાથે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમાં જણાવ્યું છે કે, સિંહોનાં મૃત્યુ અંગે ચિંતાનો વિષય વન વિભાગ અને વન અધિકારીના વલણનો છે. મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટાભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઇ અથવા કોઇક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવાયાં છે, પણ તે અંગે પૂરેપૂરી શંકા છે.
વન અધિકારીઓ સિંહના મૃત્યુનાં સાચાં કારણો છુપાવી રહ્યાં હોવાની શંકા છે. ગીરમાં સિંહો માટે વાઈરસથી બચાવા જે રસી અપાય છે તે રસી અમેરિકામાં નોળિયા અને જંગલી ખિસકોલીને આપવામાં આવે છે.
આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ સિંહો પર કરવામાં આવ્યું ન હોય તો તેવી રસી ગીરના સિંહોને કેવી રીતે આપી શકાય? ગીરના સિંહો માટે શા માટે આવી રસી આયાત કરાઈ છે? સિંહોને વાઈરસ ન હોય તો અમેરિકાની મંગાવેલી આ ૧ હજાર રસીનો ઉપયોગ શેના માટે થાય છે? આવા તમામ સવાલો મામલે વન વિભાગ પાસેથી ખુલાસો માગવાની દાદ માગી છે.