યુદ્ધ જહાજ વિરાટ અડધું ભંગાયા પછી હવે સુપ્રીમનો સ્ટે!

Friday 19th February 2021 09:37 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના શિરમોર રહેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને ગુજરાતના અલંગ સ્થિત શ્રી રામ શિપ બ્રેકર્સ કંપનીને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે આઇએનએસ વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા માટે મંજૂરી માગતી એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજી નકારી કાઢયા પછી કંપનીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની બેન્ચ એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ. કેટલી કિંમતમાં વિરાટની ખરીદી કરી શકે છે તે ચકાસવા સહમત થઈ હતી. આ પછી કોર્ટે પહેલી ફેબ્રુઆરીએ સ્ટે ફરમાવ્યો હતો.

હવે મ્યુઝિયમ અશક્યઃ શિપબ્રેકર

બીજી તરફ, ભાવનગરના શિપબ્રેકર અને શ્રીરામ ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના અલંગ ખાતે જહાજવાડામાં વિરાટ જહાજ ૪૦થી ૪પ ટકા ભંગાઇ ચૂક્યુ છે ત્યારે આવું અડધું ભાંગેલા યુદ્ધ જહાજને કેવી રીતે મ્યુઝિયમમાં ફેરવી શકાય? આ જહાજ દરિયાકિનારા પર આવી ગયું છે. હવે મ્યુઝિયમમાં મોકલવું શક્ય પણ નથી. આથી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે શિપબ્રેકર પટેલે રૂ. ૩૮.૫૪ કરોડમાં આ જહાજની ખરીદી કરી છે.

વિરાટનો ઇતિહાસ પણ વિરાટ

બે દેશની નેવીમાં સેવા આપનાર વિરાટનો ઇતિહાસ પણ વિરાટ છે. ભારતે ૧૯૮૭માં આઇએનએસ વિરાટ બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદ્યું હતું. તે સમયે તેનું નામ એચએમએસ હર્મિસ હતું અને બ્રિટિશ સેનામાં ૨૫ વર્ષ ફરજ બજાવી હતી. સેનામાં સૌથી લાંબો સમય સેવાઓ આપવા માટે આઇએનએસ વિરાટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે. આઈએનએસ વિરાટ ભારતીય નૌકાદળમાં ૧૨ મે ૧૯૮૭ના દિવસે જોડાયું હતું. ત્રીસેક વર્ષની કામગીરી પછી ૨૦૧૫માં નિવૃત્તિનો નિર્ણય લેવાયો હતો.

આઇએનએસ વિરાટઃ ઉડતી નજરે

૨૪,૦૦૦ ટન વજન, ૭૪૦ ફૂટ લંબાઈ, ૧૬૦ ફૂટ પહોળાઈ • જહાજ પર હંમેશાં ૧૫૦૦ સૈનિક તહેનાત રહેતા હતા • જહાજમાં એક સાથે ૩ મહિનાનું રાશન અન્ય યુદ્ધસામગ્રી રહેતા હતા • એક વાર કિનારો છોડ્યા બાદ વિરાટ ૯૦ દિવસ સમુદ્રમાં રહી શકતું હતું • વિરાટ પર સી-હેરિયર, ફાઈટર જેટ અને સી-કિંગ હેલિકોપ્ટર તૈનાત હતા • જહાજ પર લાઇબ્રેરી, જિમ, ટીવી-વીડિયો સ્ટુડિયો, હોસ્પિટલ, ડેન્ટલ ફોર કેર સેન્ટર, વોટર પ્લાન્ટ હતા. • છેલ્લે વિરાટે ૨૩ જુલાઈ ૨૦૧૬ના રોજ મુંબઈથી કોચ્ચિની અંતિમ યાત્રા કરી હતી • ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વિરાટને અલંગના કિનારે અંતિમ વિદાય અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter