રાજકોટ: પડધરી પાસે આવેલી કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ધવલ ત્રિવેદીએ ર૦૧રમાં બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી હતી. વર્ષ ર૦૧૪માં લુધિયાણામાંથી બંને સગીરા સાથે ઝડપી લીધો હતો. કોર્ટમાં તેને સજા ફમાવ્યા બાદ ધવલ બે વખત પેરોલ પર છૂટયો અને હાજર થયો હતો. ત્રીજી વખત પેરોલ પર છૂટ્યા પછી તેણે ચોટીલામાં અંગ્રેજી વિષયના કલાસિસ શરૂ કર્યાં હતા અને ચોટીલામાં રહેતા વેપારી મુકેશભાઈ મનહરલાલ ખખ્ખરની પુત્રી નિધિને ફસાવી હતી. ૧૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ધવલ નિધિને લઈને નાસી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. નેપાળ-દિલ્હી, લુધિયાણા સહિતના શહેરોમાં તપાસ દરમિયાન દિલ્હીમાં ધવલ ત્રિવેદીએ વેચેલો મોબાઈલ કબજે કરાયો હતો, પરંતુ ધવલ કે યુવતીની ભાળ મળી નથી. દીકરીના કોઈ ખબર ન મળવાથી કુટુંબ ચિંતામાં હોવાનું વેપારી પિતાએ જણાવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીએ શૈક્ષણિક સંસ્થાઓમાં પરિપત્ર મોકલાવ્યો છે અને તેમની કોઈ પણ ખબર મળે તો તુરંત જાણ કરવાનું જણાવ્યું છે.