ભાવનગરઃ અત્યારના આધુનિક યુગમાં યુવા પેઢી ઉચ્ચત્તમ ભૌતિક સુખ મેળવવા મથામણ કરી છે ત્યારે એક યુવાન દંપતીએ દીક્ષા ગ્રહણ કરીને સન્યાસનો માર્ગ અપનાવ્યો છે. ભાવનગરના ૩૦ વર્ષીયનિરાગ શાહ અને તેનાં ૨૭ વર્ષીય પત્ની દિશા શાહે સુખી જીવનને ત્યાગીને ગત સપ્તાહે દીક્ષા અંગીકાર કરી છે.
આ દીક્ષા અગાઉ ગુરુ ભગવંતોનું સામૈયું, પ્રવચન તથા મહાઅભિષેક જેવા કાર્યક્રમો યોજાયા હતા અને મુમુક્ષુ દંપતીનો વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. કાળાંનાળા દાદાસાહેબ જૈન દેરાસર ખાતે ગુરુ ભગવંતોની નિશ્રામાં એમનો દીક્ષા અંગીકારનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો.
પ. પૂ. બાપજી મ.સા. સમુદાયના પૂજય આચાર્ય અરવિંદ સૂરિશ્વરજી મ.સા. તથા આચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુમુક્ષુ દંપતીએ દીક્ષા અંગીકાર કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જૈન-જૈનેતરોએ બંનેનું હર્ષોલ્લાસ સાથે અભિવાદન કરી ભાવભીની શુભેચ્છા પાઠવી હતી. જીવનની ઢળતી સંધ્યાએ દાંપત્ય જીવનનો ત્યાગ કરી પતિ-પત્નીએ દીક્ષા લીધી હોવાની ઘણી ઘટના બની છે પરંતુ નવયુવાન વયે સંયમ અને ધર્મનો માર્ગ સ્વીકારવો એ અનોખો વિચાર કહેવાય, એવી લાગણી ઉપસ્થિત લોકોમાં પ્રવર્તતી હતી.