પોરબંદર: રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને પણ શરમાવે તે રીતે તેઓ પોતાના ખેતરમાં ઝડપથી ચાલીને જાય છે. ખીમાદાદાએ બિલકુલ નિરક્ષર છે, પરંતુ ૫૦ વર્ષ તેઓ સરપંચ હતા અને ગામમાં વિકાસકાર્યો પણ તેમણે પોતાની સૂઝથી કરાવ્યાં છે. ગામમાં રસ્તા, પાણી જેવી સમસ્યાઓનું નિરાકરણ તેઓ લાવતા આવ્યા છે. ૨૫ વર્ષની ઉંમરે નવીબંદરથી પોરબંદર ૨૦ મિલ જેટલું અંતર દોડીને જિલ્લામાં ૭૦૦ જેટલા સ્પર્ધકો વચ્ચે તેઓએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રાજાશાહી સમયમાં યુવાનોની મલ્લકુસ્તી જેવી અનેક સ્પર્ધાઓમાં તેઓ ભાગ લેતા અને હંમેશા અવ્વલ નંબર પણ મેળવતા હતા.
ભીમા દાદાના ૫ દીકરા અને ૩ દીકરીઓમાંથી ૪ દીકરા અને ૩ દીકરી હયાત છે અને તેઓ પણ નિરોગી જીવન જીવે છે.
ખીમાદાદાએ જણાવ્યું કે, તેઓએ ક્યારેય પણ હોટલમાં પાણી સુદ્ધાં પીધું નથી. જો કોઈ કામ અર્થે બહારગામ જવાનું થાય તો દાદા ફળ ખાઈને દિવસો પસાર કરી લે છે. તેઓએ જણાવ્યું કે, આહારમાં માત્રને માત્ર શુદ્ધ સાત્ત્વિક ભોજન અને વાણી વર્તન – વિચારની શુદ્ધતાના કારણે ચિંતાનું કોઈ કારણ ન હોવાથી લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે. દાદાએ જણાવ્યું કે, જીવન જીવવાનો સારો સમય રહે છે, પરંતુ લોકો સમયનો દુરૂપયોગ કરીને જીવવા જેવું જીવન જીવતા નથી અને સતત ટેન્શનના કારણે યુવાનોમાં જ વૃદ્ધા અવસ્થા આવી જાય છે. વળી, આજે વ્યસનને ફેશન ગણી લેવાઈ છે એટલે પણ યુવાપેઢી બરબાદ થઈ રહી છે.