સરાઃ હાલમાં દેશભરમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ બદલવા બેંક શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે. નાણાં જમા કરાવવા કે બદલવા માટે જે તે બેંકમાં ફોર્મ ભરવાનું ફરજિયાત છે. અશિક્ષિત કે અર્ધશિક્ષિત લોકો માટે આવા ફોર્મ ભરવા અશક્ય છે. ત્યારે અમુક લેભાગુઓ ફોર્મ ભરવા માટે પણ પૈસા પડાવતા હોવાનું બહાર આવ્યું છે. રૂ. દસ કે રૂ. વીસ ફોર્મ ભરવા માટે લેવાઈ રહ્યા છે. તો બીજી તરફ મૂળી તાલુકામાં આવેલા સરામાં મહાદેવગઢ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિનામૂલ્યે જરૂરિયાતમંદોને નાણાંને ઉપાડવા અને ભરવા અંગેના ફોર્મ ભરી આપ્યા હતા. સરામાં શિક્ષકોને આવું ઉત્તમ કાર્ય કરતું જોઈને કેટલાક અન્ય યુવાનો પણ આ કાર્યમાં શિક્ષકો સાથે જોશભેર જોડાયા હતા. શિક્ષક દરજી યુવાન ઈશ્વરભાઈએ લાઈનમાં ઊભા રહેલા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી હતી.