જામનગરઃ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. એક જ પરિવારના બે સભ્યો એકમેકના વિરોધી રાજકીય પક્ષમાં જોડાતા જાડેજા પરિવારમાં અંદરખાને મતભેદો સર્જાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસમાં જોડાવાના પોતાના નિર્ણય અંગે નયનાબાએ કહ્યું હતું કે રીવાબાના અને મારા વિચારો અલગ અલગ છે, માટે તેઓ ભાજપમાં જોડાયાં છે અને હું તેમજ મારા પિતા અનિરુદ્ધસિંહ સહિત ૬ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છીએ અને સોમવારથી જ કોંગ્રેસનો પ્રચાર શરૂ કરી દીધો છે. નયનાબાએ રિવાબા સાથે ખટરાગનો ઇનકાર કર્યો હતો. શું તમે ભાભીને આશીર્વાદ આપશો? આ પ્રશ્નના જવાબમાં નયનાબાએ કહ્યું હતું કે નણંદના આશીર્વાદ ભાભીની સાથે જ હોય છે.