રાજકોટ: શહેરના બહુચર્ચિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ગેમ ઝોન જ્યાં આવેલું હતું તે જગ્યાના માલિકો, ગેમ ઝોન ચલાવતી હતી તે પેઢીના ભાગીદારો સહિતનાઓ સામે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત 15 વ્યક્તિની સંડોવણી ખૂલતા તમામની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયા હતા અને તે તમામ હાલ જેલમાં છે. દુર્ઘટનાનો 24 જુલાઇના રોજ 60મો દિવસ હોવાથી આરોપીઓને ફાયદો થાય નહીં તે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’) દ્વારા તૈયાર કરાયેલું 1.77 લાખ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાયું છે.
શહેરના ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં વેલ્ડિંગના તણખાને કારણે આગ શરૂ થઇ હતી અને ગેમ ઝોનમાં વધુ કૂલિંગ રહે તે માટે તેમાં ફોર્મશીટ, લાકડાં અને પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ થયો હોય આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો હતો તેવી ચર્ચાઓ શરૂ
થઇ હતી.
રાજકીય આગેવાનોમાં માત્ર રામાણીની જ પૂછપરછ
આ ઘટનામાં રાજકીય નેતાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી હોવાની ચર્ચાઓ જોરશોરથી થઈ હતી. વોર્ડ નં. 13ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવવા માટે ભૂમિકા ભજવી હતી, તેણે સાગઠિયાને ભલામણ કરાવી હતી. પોલીસે આ મામલામાં એકમાત્ર રાજકીય આગેવાન નીતિન રામાણીનું નિવેદન નોંધ્યું છે જે બાબત પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.