રાજકોટઃ ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેન તરીકે કાર્યભાર સોંપાયો છે. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આ કમિટીના મેમ્બર તરીકે અગાઉ જાહેર કરાયા હતા.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગયા શુક્રવારે એડવાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી, જેમાં રૂપાલા ચેરમેન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એરપોર્ટ ડાયરેક્ટર ઉપરાંત રામ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે કે કેમ? તેની સમીક્ષા કરાઈ હતી. એરપોર્ટ ડાયરેક્ટર નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવાનું જણાવાતાં હવે તેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ એરપોર્ટ એડવાઈઝરી કમિટીમાં સભ્ય તરીકે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણી, રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ઉપરાંત એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરાહનો પણ સમાવેશ થાય છે.