ગાંધીનગર: રાજકોટ નજીક નવા એરપોર્ટનાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ તથા કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાજી જૂથની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને રૂ. ૬૪૮ કરોડમાં સોંપાયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ આ કોન્ટ્રાક્ટ આપ્યો છે. રાફેલ સોદામાં રૂ. ૩૦ હજાર કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટ પછી અનિલ અંબાણી જૂથને આ બીજો મોટો કોન્ટ્રાક્ટ સોંપાયો છે.
ટેન્ડરની રૂ. ૭૯૭ કરોડની અંદાજિત કિંમત સામે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ. ૬૪૮ કરોડનો ભાવ ક્વોટ કર્યો હતો. જેથી અંબાણી ગ્રુપને વર્કઓર્ડર સોંપાયો છે. ટેન્ડરમાં લાર્સન એન્ડ ટર્બો સહિત કુલ નવ બીડર હતાં. અનિલ અંબાણી જૂથની કંપની વિશાળ જમ્બો જેટ્સ માટે અનુકૂળ હોય તેવો ૧૦ હજાર ફૂટનો રનવે, બેઝિક સ્ટ્રીપ્સ, ટર્નિંગ પેડ્સ, ટેક્સીવેઝ, એપ્રન વગેરેની એન્જિનિયરિંગ ડિઝાઈન તૈયાર કરી નવા એરપોર્ટનું ૩ વર્ષમાં કન્સ્ટ્રક્શન કરશે, એમ જણાવાઈ રહ્યું છે.
રનવે, એપ્રન સહિતના કામો પ્રથમ તબક્કામાં તૈયાર થઈ ગયા બાદ અનિલ અંબાણી જૂથની આ જ કંપનીને એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ્સનું કામ પણ સોંપાશે એવી વિગતો છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કર્મભૂમિ રાજકોટ શહેરથી ૨૦ કિલોમીટર દૂર રાજકોટ તાલુકાના હીરાસર તથા સુરેન્દ્રનગર જિલ્લા ચોટીલા તાલુકાના દોસલીદુના, લોમાકોટચડી અને ગારિડા ગામોની ૧૫૦૦ એકર
જેટલી જમીન ઉપર આ ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ સાકાર થવાનું છે.