રાજકોટ: રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ એવું પ્રાણીસંગ્રહાલય બનવા જઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આફ્રિકન પ્રજાતિના ‘હિમદ્રયાસ બબૂન’ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. રાજકોટ ઝૂમાંથી વન્ય પ્રાણી વિનિમય હેઠળ પંજાબના છતબીર ઝૂને એક સિંહ, સિંહણ, વાઘણ મોકલવામાં આવશે અને તેના બદલામાં નવા ૩૯ જેટલા નવા પ્રાણીઓ અને પક્ષીઓ રાજકોટ ઝૂમાં લાવવામાં આવશે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યાનુસાર એશિયાઈ સિંહની જોડીના બદલમાં હિમદ્રયાસ બબૂનની જોડી, સફેદ વાઘણના બદલામાં હિમાલયન રીંછ (માદા), જંગલ કેટની બદલે જંગલી રીંછની જોડી ઉપરાંત રોઝ રીંગ પેરાકિટ (૩ જોડી) એલેઝાન્ડ્રીરન પેરાકિટ, (બે જોડી) પેઈન્ટેડ સ્ટ્રોપેક કોમ્બડક અને ઝેબ્રા ફિન્ચ સહિતના પક્ષીઓ મળી ૩૯ પ્રાણીઓ અને પક્ષીઓને રાજકોટ ઝૂમાં લવાશે. રાજકોટ ઝૂ દ્વારા આપવાના થતાં ઉપરોક્ત પ્રાણીઓમાં સિંહ નર અક્ષતનો જન્મ માતા મીરા અને પિતા નીલના સંવનનથી ૨૨ જુલાઈ ૨૦૧૪ના રોજ તથા સિંહણ ધ્રિતીનો જન્મ માતા સ્વાતિ અને પિતા નીલના સંવનનથી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ રાજકોટ ઝૂ ખાતેના સિંહ સંવર્ધન કેન્દ્રમાં થયો હતો. સફેદ વાઘણ ગૌરીનો જન્મ માતા ગાયત્રી અને પિતા દિવાકરના સંવનનથી ૧૬મે ૨૦૧૫ના રોજ રાજકોટ ઝૂમાં થયો હતો. હાલ ગુજરાતમાં એક પણ ઝૂમાં વિદેશી વાનર બબૂન રાખવામાં આવ્યાં નથી.