ગાંધીનગરઃ રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ૧૨મી ઓક્ટોબરે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન ચલાવી રહ્યાં હતા. રાજકોટ ડેરીમાં ૧૭ વર્ષ બાદ ચેરમેન બદલાયા છે અને હવે ગોરધન ધામેલિયાને નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે. રાજકોટ ડેરીના ચેરમેન પદ માટે રવિવારે આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના જૂના સાથીદાર ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવા સંમતિ થઈ હતી. એ પછી ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવાયા હતા. રાજકોટ ડેરી સાથે ૯૧૨ દૂધ મંડળીઓ જોડાયેલી છે. ધામેલિયા ચેરમેન નિયુક્ત થયા બાદ ગોવિંદ રાણપરિયાએ કહ્યું હતું કે, ગોરધન ધામેલિયા પર આખરી મહોર મારવામાં આવી છે. પ્રધાન જયેશ રાદડિયાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગોરધન ધામેલિયા સહકારી ક્ષેત્રે અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે.