રાજકોટઃ નવી દિલ્હી અને રાજકોટ વચ્ચે ગત મહિને શરૂ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને પ્રવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં બુધવારને બાદ કરતાં છ દિવસ ઉપડતી હતી, પરંતુ હવે તેને દરરોજ ચલાવવાનો નિર્ણય એર ઈન્ડિયાના તંત્ર દ્વારા લેવાયો છે.
૨૩ ફેબ્રુઆરીથી શરૂ થયેલી સૌરાષ્ટ્રને નવી દિલ્હી સાથે હવાઇ માર્ગે જોડતી આ પ્રથમ ફ્લાઈટમાં ઓછા પ્રવાસીઓ નોંધાયા હતા પરંતુ પછી તેમાં મુસાફરો વધી રહ્યા છે. ફ્લાઇટ શરૂ થયાને એક મહિનો પણ નથી થયો ત્યાં ૧૮ માર્ચથી તેને બુધવારે પણ ઊડાડવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે દરરોજ રાજકોટ-દિલ્હી વચ્ચે ફ્લાઇટ મળશે.
આ ફ્લાઈટના સમયમાં સામાન્ય ફેરફાર છે. જે હવે નવી દિલ્હીથી સવારે ૫.૫૦ વાગ્યે ઊપડી સવારે ૮.૨૫ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટથી સવારે ૮.૫૫ વાગ્યે ઉપડીને ૧૧.૩૦ વાગ્યે નવી દિલ્હી પહોંચશે.