રાજકોટઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગણતંત્ર દિનના આગલા દિવસે ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં એરપોર્ટ જેવા બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટને વર્લ્ડ કલાસ બસપોર્ટ આપવાનું અમારી સરકારનું સપનું હતું તે અંતે સાકાર થયું છે. આ બસપોર્ટ નમૂનેદાર તૈયાર થયું છે તે બદલ હું પીપીપી ધોરણે આ બસપોર્ટ બનાવનાર એમવીઓમની સાયોના બીઆઈપીએલ રાજકોટના સુરેશભાઈ પટેલ સહિત ટીમને ધન્યવાદ આપું છું. જ્યારે એરપોર્ટ જેવા આ બસપોર્ટનું લોકાર્પણ તો ખરું જ એ ઉપરાંત રાજકોટ શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને લઈને માધાપર ચોકડી અને ભાવનગર રોડ ઉપર નવા વધુ બે બસપોર્ટની સુવિધા પણ મળશે.
રાજકોટ બસપોર્ટના લોકાર્પણમાં તેમણે જણાવ્યું હતું કે, બસપોર્ટમાં એરપોર્ટમાં જેવી સુવિધાઓ હોય તેવી તમામ સુવિધા છે. ડિજિટલ ડિસ્પ્લે ઉપર બસના આવવા જવાના સમય અને બસ આવતી હશે તેની અપડેટેડ માહિતી, સુઘડ સુંદર વ્યવસ્થા, ફૂડ કોર્ટ જ્યાં લોકોને બ્રાન્ડેડ ફૂડ મળી રહે.
એરપોર્ટમાં હોય તેવા સાફ સુથરા સંડાસ બાથરૂમ લોકોને મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ વિશ્વકક્ષાની જાહેર સુવિધાઓ ઊભી કરી રહી છે. આપણી કલેકટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓ હવે કોર્પોરેટ બિલ્ડીંગમાં પરિવર્તન પામી રહી છે.