અમરેલીમાં મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજ આપવાની નેમઃ સુરતવાસી ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાનું રવિવારે વતન અમરેલીમાં સ્થાનિકોએ ભવ્ય સન્માન કર્યું હતું. તેમની ચાર વાર ચાંદીથી અને રક્તતુલા તથા સાકર તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે વસંતભાઈએ અમરેલીમાં એન્જિનિયરિંગ કોલેજ અને ભવિષ્યમાં હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ નિમિત્તે સુરત, મુંબઈ, અમદાવાદ, અમેરિકા અને બેલ્જિયમથી ઉદ્યોગપતિઓ આવ્યા હતા.
સમુદ્રથી ગિરનાર પર્વતની ઉંચાઈ ૧૦૨૧ મીટરઃ જૂનાગઢના ગિરનાર પર્વતની સમુદ્રથી ઊંચાઈ ૧૦૨૧ મીટર હોવાનું તજજ્ઞોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરેલ માપણીનું તારણ બહાર આવ્યું છે. જાન્યુઆરીમાં યોજનાર ગિરનાર આરોહણ સ્પર્ધાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન અપાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરાયો છે. આ અંગેની નોંધણી કરાય છે ત્યારે પર્વતની ઉંચાઈ અંગે પ્રવર્તતા મતમતાંતરને છેદ ઊડાવવા માટે જિલ્લા કલેક્ટરે તજજ્ઞોને ઊંચાઈ માપવા જણાવ્યું હતું. માપણીમાં સમુદ્રથી અંબાજી સુધીની ઊંચાઈ ૧૦૨૦.૫૭૬ મીટર હોવાનું બહાર આવ્યું છે. તેને સી લેવલ કહેવાય છે. જ્યારે જમીનથી અંબાજી સુધીની ઊંચાઈ ૯૨૦ મીટર એટલે કે ૩૦૧૬ ફૂટ છે. જૂનાગઢના પૂર્વ કલેક્ટર સ્વ. શંભુપ્રસાદ દેસાઈના પુસ્તકમાં ગિરનારની ઊંચાઈ ૩૩૩૦ ફૂટ ગણાવાય છે. આમ ઊંચાઈ મુદ્દે મતમતાંતરનો છેદ ઊડ્યો છે.
ગોંડલની પોસ્ટ ઓફિસ હેરિટેજ પ્લેસ બનીઃ સાહિત્યકાર ‘ધૂમકેતુ’ ઉર્ફે ગૌરીશંકર જોષીએ ગોંડલમાં ૧૯ર૧થી ૧૯ર૩ દરમિયાન રેલવે કારકૂન તરીકે નોકરી કરી અને સાહિત્ય જગતને મળી ‘પોસ્ટ ઓફિસ’રૂપી વાર્તા. વિશ્વની ટોચની દસ વાર્તાઓમાં સ્થાન પામનાર આ અમરકૃતિ ‘પોસ્ટ ઓફિસ’, જે આજે પણ ગોંડલનાં હેરીટેજ પ્લેસ તરીકે હયાત છે. વીરપુર(જલારામ)માં ગોવર્ધનરામ જોષીને ત્યાં ત્રીજા નંબરનાં સંતાન તરીકે ૧ર ડિસેમ્બર ૧૮૯રનાં રોજ જન્મેલા મણિલાલનું શાળા પ્રવેશ વખતે ગૌરીશંકર નામકરણ કરાયું હતી. પછી તેઓ સાહિત્યનાં નભમંડળમાં ‘ધૂમકેતુ’ તરીકે જાણીતા બન્યા.