રાજકોટ: મહાનગર પાલિકા અને પોલીસ વિભાગનાં સંયુકત ઉપક્રમે ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં એશિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન દોડ યોજાઇ હતી. સવારે સાડા પાંચ વાગ્યે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને મેરેથનના બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિત અગ્રણી નેતાઓ અને અધિકારીઓએ રંગીન ફુગ્ગાઓ હવામાં ઉડાડીને ફુલ, હાફ – પાંચથી દસ કિમીની અને વિકલાંગ મેરેથનનો પ્રારંભ કરાવ્યો હતો. પીવાના પાણીના કરકસરયુકત ઉપયોગ, સ્વચ્છતા મિશન અને ટ્રાફિક બાબતે વધુને વધુ જાગૃત થાય તેવા આશય અને થીમ સાથે યોજાયેલી ફુલ મેરેથનમાં ૬૦ હજારથી વધુ દોડવીરો જોડાતાં આ એશિયાની પ્રથમ ક્રમાંકની દોડ બની છે
દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ રૂટ પર દોડ હતી. ૪૨ કિમીની ફુલ મેરેથનમાં કુલ ૧૫૪ દોડવીરો, ૨૧ કિ.મી.ની હાફ મેરેથનમાં ૨૨૨૩ સ્પર્ધકો, ૧૦ કિ.મી.ની ડ્રીમ રનમાં ૪૩૫૯ દોડવીરો, જ્યારે ૫ કિ.મી.ની ‘ફન રન’માં ૫૬૦૨૦ તેમજ ૧ કિ.મી.ની દોડમાં ૧૪૦૪ દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૪૫ વર્ષથી નીચેની વયની ફુલ મેરેથનમાં પુરુષોમાં કેન્યાના હેનરી સેંગ પ્રથમ હતા અને મહિલાઓમાં ભારતનાં જેદિયાહ કરુન્ગા પ્રથમ હતાં. ૪૫થી ૬૦ વર્ષની વયમર્યાદાની ફુલ મેરેથનમાં ભારતના બિક્યાંત દૈઉરી વિજેતા હતા.