રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી કરાઈ અને શહેર ભાજપના કાર્યાલયમાં તેમને શુભેચ્છા પાઠવવા માટે ૯મી નવેમ્બરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ દોડી આવ્યા હતા. આ વધામણામાં કાર્યકરો અને નેતાઓ ‘દો ગજ કી દૂરી’નું ભાન ભૂલ્યા હતા. મોટાભાગના નેતાઓ માસ્ક વગર જ જોવા મળ્યા હતા. રાજકોટમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે સત્તાધારી ભાજપના નેતાઓ આવા કાર્યક્રમો યોજી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડે અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરે છે તે અંગે અનેક સવાલ ઊઠી રહ્યાં છે.
માસ્ક વગર મોજ કરી
રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કમલેશ મિરાણીને ફૂલોનો બુકે આપી શુભેચ્છા પાઠવી હતી. આ સમયે ગોવિંદ પટેલનું માસ્ક નીચે ઉતરેલું જોવા મળ્યું હતું. તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી માસ્ક વગર જોવા મળ્યા હતા. સામાન્ય લોકો પાસેથી માસ્કનો મસ મોટો દંડ વસૂલવામાં આવે છે ત્યારે ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખ ખારચિયા
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે કમલેશ મિરાણી અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મનસુખ ખારચિયાની વરણી થઈ છે. કમલેશ મિરાણી રાજકોટ મહાપાલિકામાં અનેક હોદ્દે જવાબદારી નિભાવી ચૂક્યા છે. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડી. કે. સખિયાનું પત્તું કપાયું છે. મનસુખ ખારચિયા પોરબંદરથી લોકસભાની ૨૦૦૯ની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ જેતપુરના ઉદ્યોગપતિ છે.