રાજકોટ હાઈવે પરથી દાઉદના ભાઈ અનિસની ગેંગના ચાર શાર્પશૂટર પકડાયા

Wednesday 01st March 2017 07:17 EST
 

રાજકોટઃ દાઉદ ઇબ્રાહિમ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાના પર્દાફાશ સાથે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે મોકલેલા ચાર શૂટરોને રાજકોટ પોલીસે પકડી લીધા છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લેવાયેલા આ માણસો પાસેથી એક પિસ્તોલ, છ રાઉન્ડ કારતૂસ સહિતના હથિયાર મળ્યા છે. પૂછપરછમાં આ માણસો પાનમસાલા અને ગુટખાના ધંધા સાથે સંકળાયેલા જામનગરના અશફાક ખત્રીને મારવા આવ્યા હોવાની કબૂલાત કરી છે.
આ સોપારી બદલ અનિસ ઈબ્રાહિમ ગેંગ દ્વારા તેને ૧૦ લાખ રૂપિયા મળ્યા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. બાતમીના આધારે રાજકોટ પોલીસ કમિશનરે ટીમ બનાવી એક બસનો સુરેન્દ્રનગર પોલીસની હદમાંથી પીછો શરૂ કર્યો હતો.
બસ રાજકોટ નજીક નવાગામ પહોંચતા તેને અટકાવીને તમામ મુસાફરોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પરપ્રાંતીય ચારની તપાસમાં એક પિસ્તોલ અને છ રાઉન્ડ કારતૂસ મળ્યા હતા. તેઓને નીચે ઉતારી વધુ તપાસ કરાતાં ત્રણ છરી, ત્રણ જુદી-જુદી સિરીઝના નંબરોવાળી બાઈકની છ નંબર પ્લેટ મળી આવી હતી.
પોલીસ તમામને ઝડપીને કુવાડવા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાઓમાં પોતાના નામ રામદાસ પરશુરામ રાણે (અનિસ ઈબ્રાહિમનો સોપારી કિલર) વિનીત પુંડરીક, સંદીપ દયાનંદ સિંઘબાદ, અનિલ રાજુભાઇ ધીલોડા જણાવ્યા હતા. જોકે પોલીસે આકરી પૂછપરછ કરતાં આ શૂટરો દાઉદ ઇબ્રાહિમના ભાઇ અનિસ ઇબ્રાહિમ ગેંગ દ્વારા અપાયેલી સોપારીને અંજામ આપવા આવ્યા હતા અને જામનગરના શિપિંગ, પાનમસાલા અને ગુટખાના ધંધા સાથે સંકળાયેલા અશફાક ખત્રીને મારવા આવ્યાનું કબૂલ્યું છે.
આ શાર્પશૂટરો રાજકોટની હોટલમાં ઉતર્યા હતા. દુબઈમાં હોટ ખૈની તમાકુ અને ગુટકાનો ધંધો કરતાં શફદર ખત્રીને ડરાવીને ધંધો પડાવી લેવા માટે તેના કાકા અશફાકની સોપારી અપાયાનું ખૂલ્યું છે. જોકે પોલીસ કહે છે કે, આ વાત પોલીસને ગળે ઉતરે એવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter