રાજકોટઃ ગોંડલ રોડ પરના એસ.ટી. વર્કશોપ પાછળના ખોડિયાનગરમાં રહેતા પાનના ધંધાર્થી જીજ્ઞેશભાઈ બકરાણિયાના મકાન પાસેથી એક સપ્તાહ પહેલાં ડિટોનેટર અને જીલેટીનની સ્ટીક દ્વારા બનાવાયેલો ટાઈમ બોમ્બ મળ્યો હતો. જોકે તે નિષ્ક્રિય બનાવાતાં રાજકોટવાસીઓને હાશ થઈ હતી. દહેશત ઊભી કરવાના ઈરાદે બોમ્બ મુકાયાના અનુમાન સાથે સ્થાનિક પોલીસ, એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, રાજકોટ એસઓજી સહિતની જુદી જુદી પાંચ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી બાઇકની લાલ રંગની બેટરી ગોંડલ રોડ પરના સ્વામિનારાયણ ચોકમાં આવેલી પ્રીમિયર બેટરી નામની દુકાનમાંથી વેચાઈ હોવાનું ખૂલ્યું હતું. શિવનગરમાં રહેતા દુકાનના સંચાલક અને કર્મચારીની પૂછપરછમાં લાલ રંગની કુલ ૨૨ બેટરીનું વેચાણ થયાનું જાણવા મળ્યું હતું. આ બેટરી મોરબી અને વાંકાનેર પંથકમાં વેચાઈ હતી. મોરબીમાં વેચાયેલી ૨૦ બેટરી પૈકી ૧૭ બેટરીનું પગેરું મળ્યું છે, પરંતુ ત્રણ બેટરીની હજુ સુધી ભાળ મળી નથી. એ જ રીતે વાંકાનેરમાં વેચાયેલી બે પૈકીની એકની ભાળ મળી છે અને બીજી એક બેટરીનું પગેરું મેળવવા પ્રયાસ ચાલતો હોવાનું પોલીસે જણાવ્યું છે.