રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટનું નજીકના સમયમાં ખાતમુહૂર્ત

Thursday 21st September 2017 02:40 EDT
 
 

ગાંધીનગરઃ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે એરપોર્ટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. ૨૦મી સપ્ટેમ્બરે મળેલી રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં આ ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળ્યું છે. હવે નજીકના દિવસોમાં જ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની વકી છે.

રાજકોટ શહેરથી ૨૦ કિલોમીટર આ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ આશરે રૂ. પાંચ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે. રાજકોટ જિલ્લાના હીરાસર ગામ અને સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના દોસલીદુના, લોમાકોટડી અને ગારિડા ગામોની કુલ ૨૭૦૦ એકર જમીન પર આ એરપોર્ટ આકાર લેશે. આ જમીનમાંથી મોટાભાગની જમીન સરકારી માલિકીની છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ૩૫ એકર જેટલી જમીન ખાનગી માલિકીની છે અને ૯ ખેડૂતો પાસેથી જમીન સંપાદિત થશે. આ પ્રોજેક્ટમાં ૧૫૦૦ એકર જેટલી જમીન જંગલની છે. સૂત્રો કહે છે કે, આ પ્રોજેક્ટ માટે જરૂરી એવી પર્યાવરણીય, વનમંત્રાલયની, એરપોર્ટ ઓથોરિટીની, ફનલ રૂટ અંગેની તેમજ એરફોર્સની એમ તમામ પ્રકારની મંજૂરીઓ ખૂબ જ ટૂંકા સમયમાં મળી ગઈ છે. ઓગસ્ટના પ્રારંભે પ્રોજેક્ટના સૂચિત વિસ્તારમાં જનસુનાવણી યોજાઈ હતી, તેમાં પણ સ્થાનિક લોકોએ મહદંશે આ પ્રોજેક્ટને આવકાર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદથી સાઈઝની દૃષ્ટિએ મોટા એવા આ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રની પ્રજાને મોટો ફાયદો થનારો હોઈ રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ઝડપથી પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ભારે ઉતાવળ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter