રાજકોટઃ રાજકોટ મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં સફેદ વાઘણ ગાયત્રીએ નર દિવાકર સાથેના સંવનનથી એપ્રિલ માસમાં ૪ વાઘબાળને જન્મ આપ્યો હતો. ચાર માસ બાદ આ ચારેય વાઘબાળને ઝૂ ઓથોરિટી દ્વારા મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂનું કુદરતી જંગલ સ્વરૂપે નૈસર્ગિંક વાતાવરણ સફેદ વાઘ તથા એશિયાઈ સિંહોને માફક આવી રહ્યું છે અને સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. હાલ ઝૂમાં સફેદ વાઘની સંખ્યા ૧૦ થઈ ગઈ છે જેમાં ૧ નર અને પાંચ માદા તેમજ ૪ બચ્ચાનો સમાવેશ થાય છે. પ્રસ્તુત તસવીરમાં કુદરતી વાતાવરણમાં ચારેય વાઘબાળની માતા સાથેની ખેલકૂદ મુલાકાતીઓને અભિભૂત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી સિંહની જોડીને ગુહારી ઝુમાં મોકલાવેલ તેના બદલામાં હિમાલય રીંછની જોડી સક્કર બાગ ઝૂને આપવામાં આવેલ તે ઝૂના મહેમાન બન્યા છે. હવામાનમાં સેટ થયા બાદ પ્રવાસીઓના દર્શન માટે મુકાશે. તાજેતરમાં સક્કરબાગ ઝૂમાંથી ટ્રેન માર્ગે સિંહ-સિંહણ જોડીને ગુહાટી મોકલવામાં આવી હતી અને તેના બદલામાં હિમાલયન રીંછ નર-માદાની જોડી આપવામાં આવી છે.