જૂનાગઢ: અડગ મનના માનવીને, હિમાલય પણ નથી નડતો! આ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ચાવડના વિપુલભાઈ બોકરવાડિયા. 39 વર્ષના વિપુલભાઈએ માત્ર બે વર્ષની વયે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને આજે તેઓ શારીરિક અક્ષમતાને કોરાણે મૂકીને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યા છે. વિપુલભાઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં આઠ વખત સર કર્યો છે. વર્ષ 2018માં પાંચમી વખત ગિરનાર સર કર્યો, ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. વિપુલભાઈ બેઠાં-બેઠાં ચાલીને 20 કલાકમાં ગિરનાર પર્વત ચડે છે. તેઓ જ્યારે પણ ગિરનાર સર કરવા આવે છે, ત્યારે તેમનો ઉત્સાહ વધારવા તેમના મિત્રો, વડીલો અને સગાંસ્નેહીઓ પણ સાથે રહે છે.
વિપુલભાઈ કહે છે કે, તેમને ગિરનારી મહારાજ પર અતૂટ શ્રદ્ધા છે. જ્યારે તેઓ બે વર્ષના હતા ત્યારે તેમને બંને પગે 80 ટકા વિકલાંગતા આવી હતી. હાલમાં વિપુલભાઈ રાજકોટમાં રહી વેબ ડિઝાઇનિંગનો બિઝનેસ કરે છે. હિંમત હાર્યા વિના અભ્યાસ પૂર્ણ કરી પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દૃઢ મનોબળ અને પોતાની ઈચ્છાશક્તિને ઉજાગર કરવાનું વિચાર્યું કે કંઈક એવું કરવું છે જેનાથી બીજા દિવ્યાંગોને પણ પ્રેરણા મળે. આ પછી વિપુલભાઈ પાંચ મિત્રો સાથે ગિરનાર ચડ્યા હતા. વિપુલભાઈના મિત્રો કહે છે કે વિપુલભાઈ દિવ્યાંગ છે, પરંતુ તેઓ ખુદ તેમના મિત્રો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જે ગિરનારને સર કરતાં સામાન્ય માનવી પણ બે વખત વિચારે છે તેને વિપુલભાઇ દિવ્યાંગ હોવા છતાં આઠ વખત સર કરી ચૂક્યા છે. વિપુલભાઈના જોમ અને જુસ્સાથી તેમના મિત્રો પણ તેમની સાથે ગિરનાર ચઢવા પહોંચે છે. તેમના મોટિવેશનને કારણે આજે સૌ મિત્રો દર ડિસેમ્બર મહિનામાં ગિરનાર ચડવા પહોંચે છે. તેઓ 80થી 90 વ્યક્તિઓ સાથે મળીને જય ગિરનારી માનવ સેવા ગ્રૂપ પણ ચલાવે છે, જેના દ્વારા તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ અને સેવા કરતા રહે છે. આ ઉપરાંત તેના
જેવા અન્ય દિવ્યાંગો અને સામાન્ય વ્યક્તિઓને પણ પ્રેરણા મળે તે માટે તેઓ ગિરનાર સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિ કરતા રહે છે.