રાજકોટ: અબુધાબીમાં ૨૦૧૯માં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિકની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવનારા રાજકોટ શહેરના પહેલા પેરા-સ્વિમર મંત્ર જિતેન્દ્રભાઇ હરખાણીને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાયો છે. સોમવારે રમતગમત સહિત વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્વિ મેળવનારા દેશના ૩૨ બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જાહેર કરાયો હતો. જેમાં રાજકોટનો ૧૭ વર્ષીય મંત્ર હરખાણી પણ સામેલ છે. આ પ્રસંગે ૩૨ પૈકી છ બાળક સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી.
વડાપ્રધાન અને રાજકોટના દિવ્યાંગ સ્વીમરના સંવાદો ખૂબ જ રોચક રહ્યા. વડા પ્રધાને મંત્ર સાથે ‘કેમ છો, મંત્ર? મજામાંને?’ એમ કહીને વાત શરૂ કરી હતી. આ પછી તેમણે પૂછયું હતું કે કોણ – કોણ છે તારી સાથે? તારું લક્ષ્ય શું છે ?’ આ સમયે મંત્રે કહ્યું કે ‘દુનિયાના શ્રેષ્ઠ સ્વીમર બનવું છે અને દેશની સેવા કરવી છે.’ જે પછી વડા પ્રધાને પૂછયું કે ‘તું કોચ સાથે મળવા ન આવ્યો?’ ત્યારે દિવ્યાંગ સ્વીમર બોલ્યો કે ‘ના, તમે જ રાજકોટ આવી જાઓ.’
આશરે સાડા ત્રણ મિનિટની વાતચીતમાં વડા પ્રધાને મંત્રને તેની સિદ્વિઓ બદલ અભિનંદન પાઠવીને કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતા માટે પ્રેરણાસમાન છો. તો તમારા જેવા બાળકોના માતા-પિતા તરીકે તેઓ પણ પ્રેરણાનો સ્ત્રોત છે. મને કહેવાયું હતું કે, તમે મેડલ લેવા આવશો ત્યારે કોચ સાથે મુલાકાત કરાવશો. તેમને લઇને કેમ ના આવ્યાં? પરંતુ વાંધો નહીં, હું ગુજરાત આવું ત્યારે મળવા આવશોને? ત્યારે તમારે ગાંઠિયા લઇને આવવું પડશે.’
વડા પ્રધાનના આ હેતભર્યા શબ્દો સાંભળીને ખુશ ખુશ થઇ ગયેલા મંત્રે તુરંત જવાબ આપ્યો હતો કે, ‘સર ગાંઠિયા સાથે જલેબી અને ચા-નાસ્તો પણ કરાવીશ’. મંત્રનો આ જવાબ સાંભળતા જ વડા પ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
મારું અડધુ સ્વપ્ન પૂરું થયુંઃ મંત્ર
બોર્ન ડાઉન સિન્ડ્રોમથી પીડાતા મંત્રે વડા પ્રધાનને વાતચીતમાં કહ્યું હતું કે, સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભાગ લેવા જતાં પહેલા મારા કોચ વિપુલ ભટ્ટે મને કહ્યું હતું કે જો તું મેડલ લઇને આવીશ તો વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરાવીશ. આ ઇચ્છા પૂરી કરવા માટે મેં ખૂબ મહેનત કરીને અબુધાબીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.’
૧૦ વર્ષમાં ૨૦થી વધુ મેડલ
મંત્રએ માતા બિજલબહેન પાસે સ્વિમિંગ શીખીને આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ૨૦૦૯માં સ્વિમિંગ કોચ વિપુલ ભટ્ટ પાસે પ્રાથમિક તાલીમ બાદ ૨૦૧૦થી મંત્રએ તરણ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.