રાજકોટ: વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે ૧૬મીએ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં જાહેરાત કરાઈ હતી કે, રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક આવેલા હિરાસર ગામે નિર્માણ પામનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સાહેલાણીઓની સંખ્યા વધારવા અને તેઓની સુવિધા વધારવા માટે ગુજરાતમાં રાજકોટ ઉપરાંત રાજપીપળા અને ધોલેરામાં નવું એરપોર્ટ વિકસાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં નવા એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઇ હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જણાવ્યું હતું. વાયબ્રન્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ બિઝનેસમેન અને પ્રવાસીઓને આકર્ષવા સરકાર ક્વાયત કરી રહી છે.