રાજકોટઃ ગુજરાતમાં પાટણ અને રાજકોટના પટોળા વિશ્વવિખ્યાત છે. પાટણના પટોળા પર વર્ષ ૧૯૫૦ આસપાસ તેને બનાવવાની કળા ઉપર જોખમ આવતાં રાજકોટ રાષ્ટ્રીય શાળામાં કનુભાઈ ગાંધીના પ્રયાસથી તેને સાચવવાની વ્યવસ્થા થઈ હતી. ત્યારબાદ તેનો ખૂબ વિકાસ થયો અને નામના મળી હતી. આજે રાજકોટના પટોળાને મોખરાનું સ્થાન મળ્યું છે. ખુશીની વાત એ છે કે, રાજકોટના પટોળાને ભારત સરકાર દ્વારા જિયોગ્રાફિક્સ ઇન્ડિકેશન ટેગની મંજૂરી મળી છે.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ વિવર્સ એસોસિએશને ‘રાજકોટ પટોળા’ને ભૌગોલિક ઓળખની સાથે નકલ રક્ષણ અને ટ્રેડમાર્ક માટેના વિશેષ દરજ્જા માટે બૌદ્ધિક સંપદા અધિનિયમ હેઠળ રજિસ્ટ્રેશન મેળવવા ભારત સરકારના ચેન્નાઈસ્થિત જી.આઈ. રજિસ્ટ્રાર પાસે માગણી કરી હતી, જેને સ્વીકૃતિ મળી છે. રાજકોટ, સુરેન્દ્રનગરના ૫૦૦ ઉપરાંત પટોળા વણકર પરિવારોમાં ખુશી વ્યાપી છે. આ ઉદ્યોગમાં અત્યારે ૭૦૦ શાળો દ્વારા ત્રણ હજાર કારીગરો રોજી મેળવે છે.