રાજકોટઃ બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રિક બસો પણ દોડતી થવાના અહેવાલ છે. એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ. તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરાયો હોવાનું સમર્થન મહાનગરપાલિકાએ આપ્યું હતું. પાલિકા દ્વારા જાહેરાત કરાઈ હતી કે, એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાપાલિકાએ ઈલેક્ટ્રિક બસ ફાળવવા વિનંતી કરી હતી. જેને ગ્રાહ્ય રખાઈ હતી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ રાજકોટ મનપાને આ પાંચેય બસો ફાળવવામાં આવી રહી છે. એક ઈલેક્ટ્રિક બસની કિંમત આશરે રૂ. ૬૫ લાખ જેવી થાય છે.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે બીઆરટીએસ ટ્રેક પર દોડનાર આ પાંચ ઈલેક્ટ્રિક બસ કાર્બન ઉત્સર્જન નહીં કરે. શહેરમાં ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશઃ વધે છે.