રાજકોટઃ ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડિશાના કાળા ચોખા ગુજરાતના કોઈપણ ખૂણે ઉગાડી શકાય છે. આ એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાન બ્રિજેશ કાલરિયાએ રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે. કાળા માથાનો માનવી પોતાની સમજણ અને ટેક્નોલોજીના સહારે ધારે તે પરિણામ લાવી શકે છે તેનું જ્વલંત ઉદાહરણ બ્રિજેશભાઈ છે. જેમણે નોકરી છોડીને પોતાના વતન મોવિયામાં પરંપરાગત ખેતીમાં પરિવર્તન લાવવાની શરૂઆત કરી. એમણે એગ્રો ફોરેસ્ટ્રીમાં સાગ, સાલ, ચંદન, કાળીજીરી જેવા અનેક પાકનું વાવેતર કરીને પરિવર્તનની શરૂઆત કરી. તેમણે એક વર્ષથી કેસરની ખેતીમાં ઝંપલાવીને નેત્રદીપક સફળતા હાંસલ કરી છે.
કેસરની ખેતી અંગે વાત કરતાં બ્રિજેશભાઈએ જણાવ્યું કે, કેસરનું બિયારણ પ્રતિકિલો રૂ. 600થી 1000ના ભાવે મળે છે. કેસરનું બીજ ડુંગળીના દડાની સાઇઝનું હોય છે જ્યારે તેનું વજન 5 ગ્રામથી 30 ગ્રામ સુધીનું હોય છે. 1500 કિલો બિયારણમાંથી દોઢથી બે કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. કેસરના એક કંદમાંથી એકથી ત્રણ સ્યૂટ નીકળે છે, જેમાં એકથી બે ફૂલ તૈયાર થાય છે. 20 ગ્રામથી મોટા બલ્બમાં મોટી સાઇઝના સ્યૂટ અને ફૂલ નીકળે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે.
કેસરનું ઉત્પાદન લીધા પછી બલ્બને નિતારવાળી છાયાવાળી જમીનમાં રાખવામાં આવે છે. કેસર ઉત્પાદન થાય તેવું 15થી 20 ગ્રામ વજનના બલ્બ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. મોટા બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં ગોઠવવાથી અઢી મહિનામાં કેસરનું પરિપક્વ ફૂલ તૈયાર થાય છે અને તેમાંથી કેસરનાં તાંતણા મેળવવામાં આવે છે. સૂર્યપ્રકાશ ન અડવાના લીધે તેનો રંગ અને સુગંધ જળવાઈ રહે છે.
ભારતમાં માત્ર કાશ્મીરમાં જ થતા કેસર કે જેની કિંમત પ્રતિકિલો રૂ. 3થી 5 લાખ છે એવા મોંઘા કેસરની ખેતી માટે 15 ફૂટ બાય 15 ફૂટનો કોલ્ડ ફાર્મિંગ રૂમ તૈયાર કર્યો છે. જેમાં માટી તેમજ પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે. આ રૂમનું તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું રાખવામાં આવે છે.
ભારતમાં કેસરનું બિયારણ કાશ્મીર સિવાય બીજે ક્યાંય મળતું નથી. કેસરના બિયારણમાંથી સતત 15 વર્ષ કે તેથી વધુ સમય સુધી ઉત્પાદન લઈ શકાય છે. કેસરનું બિયારણ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. કોલ્ડ ફાર્મિંગ રૂમમાં કેસર સિવાય મશરૂમ, લીલું લસણ સહિતના અનેક પાક લઈ શકાય છે.