રાજકોટ: વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું મેઇલ ID હેક કરી પેમેન્ટ મળ્યું નથી તેવો મેઇલ કરીને બીજા કોઈ એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરો તેવું જણાવ્યું હતું. આ બેંક અકાઉન્ટ પોર્ટુગલના લિસ્બન શહેરની નોવા બેંકમાં હતું. સંદીપભાઇએ રૂ. ૨૧ લાખ ટ્રાન્સફર પણ કર્યાં હતાં. એ પછીથી તેમને પોતાની સાથે છેતરપિંડી થયાની શંકા જતાં તેમણે વિગતો મેળવવા સાઇબર સેલમાં ફરિયાદ કરી, સ્થાનિક સાયબર સેલની ટીમે તાત્કાલિક મેઇલ એડ્રેસની તપાસ આદરી અને રૂ. ૨૧ લાખ વેપારીને પાછા અપાવી દીધા હતા.
સ્વીફ્ટ મોડથી પેમેન્ટ
સંદીપભાઇ ચાઇનીઝ કંપની પાસેથી ઇન્ટરનેશનલ ટ્રેડિંગથી વેપાર કરતા હતાં. આ કંપની સાથે તેઓ વારંવાર ઇમ્પોર્ટ એક્સપોર્ટની નાણાકીય લેવડ દેવડ સ્વીફ્ટ મોડ પેમેન્ટથી કરતાં હતાં. ૨૦મી જાન્યુઆરીએ રાજ કૂલિંગ દ્વારા યુએસ ડોલર ૨૮૫૨૧ (ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂ. ૨૧ લાખ) ચાઇનીઝ કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં. આ કંપનીના ઇ-મેઇલ આઇડીને એક હેકરે હેક કરી મળતા નામવાળું ઇ-મેઇલ આઇડી બનાવી રાજ કૂલિંગ કંપનીને મેઇલ કરીને જણાવ્યું કે, અમારી કંપનીને પેમેન્ટ મળ્યું નથી.
છેતરપિંડી થઇ હોવાની શંકા
સંદીપભાઇને નવું બેંક એકાઉન્ટ અપાયું તે પોર્ટુગલ કંપનીના લિસ્બન શહેરના નોવાબેંકા નામની બેંકનું હતું. આથી વેપારીએ તેમાં રૂ. ૨૧ લાખ જમા પણ કરાવ્યા હતાં, પરંતુ બાદમાં તેમને શંકા ગઈ કે લિસ્બનમાં શા માટે રકમ મંગાવાઈ? એ પછી છેતરપિંડીની ગંધ આવતાં સાયબર સેલમાં તેમણે જાણ કરી હતી. અરજદારને સાથે રાખી સંલગ્ન તમામ બેંકને તાત્કાલિક ઇ-મેઇલ કરી નાણા પરત અપાવવા પ્રયાસો કર્યા હતાં. અંતે ૫મી ફેબ્રુઆરીએ સંદીપભાઇને રૂ. ૨૧ લાખ પરત મળી ગયા હતા.