રાજકોટ: છ ખૂન અને લૂંટ સહિતના ૩૩ જેટલા ગુનામાં સંડોવાયેલા અને રાજકોટના વૃદ્ધાની હત્યામાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર છૂટીને નાસી ગયેલા અને તાજેતરમાં જ ઝડપાયેલા સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્નો નવીનચંદ્ર મહેતાએ અમદાવાદમાં ઉદય ગનહાઉસના માલિકની હત્યા કરવાની સોપારી લીધાનું ખૂલ્યા પછી પોલીસે અમદાવાદ અને જસદણના તેના ત્રણ સાગરીતને ઝડપી લીધા હતાં.
સાત વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં આમ્રપાલી ફાટક પાસેના પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતાં વિમલેશકુમારી નામના વૃદ્ધાની ગળું કાપીને હત્યા કરીને દાગીનાની લૂંટ કરવા અંગે નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્ના નવીનચંદ્ર મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં તેને આજીવન કેદની સજા થઇ હતી. એક વર્ષ પહેલા તે જેલમાંથી પેરોલ પર છૂટયો હતો. બાદમાં નિયત સમયે જેલમાં હાજર નહી થઇને ફરાર થઇ ગયો હતો. છ દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો હતો. આ સમયે તે સોપારી લઇને ખૂન કરવા આવ્યાની શંકા વ્યકત થઇ હતી.
આ બાબતે પોલીસે નિલય ઉર્ફે નિલેશ મહેતાની આગવી ઢબે સઘન પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે એવી કબૂલાત આપી હતી કે, તે રાજકોટની જેલમાં હતો ત્યારે અમદાવાદના પ્રદીપ રાજપૂત અને રવિ ઉર્ફે કિશોર ઉર્ફે કોસ્ટીની ઓળખાણ થઇ હતી. પ્રદીપના ભાઇએ અમદાવાદમાં ઉદય ગનહાઉસના માલિક ઉદયસિંહ ભદોરિયા પર ગોળીબારથી ખૂનનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ઉદયને સમાધાન માટે જણાવ્યું હતું, પણ તે સમાધાન કરવા તૈયાર ન હતો. આથી તેની હત્યા કરવાની વાત કરી હતી. જેલમાંથી પેરોલ પર છૂટીને તે લખનઉ નાસી ગયો હતો. ત્યાં ગનહાઉસવાળા ઉદયસિંહનું ખૂન કરવાની સોપારી મળતાં તે પરત ગુજરાત આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છેે.