રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૫ દર્દી ભડથું

Wednesday 02nd December 2020 04:56 EST
 
 

રાજકોટ : શહેરના ગોકુલ ગ્રૂપની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં ૨૬ નવેમ્બરે મધરાતે ફાટી નીકળેલી આગમાં પાંચ દર્દીના મૃત્યુ નીપજતા અરેરાટી પ્રસરી ગઇ છે. આમાંથી ત્રણ તો ઘટનાસ્થળે જ ભડથું થઇ ગયા હતા. આગ ફાટી નીકળ્યાની જાણ થતાં જ હોસ્પિટલના સ્ટાફ અને ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયેલા ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોએ યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય હાથ ધરીને બીજા દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા ન હોત તો મૃત્યુઆંક ઘણો ઘણો વધી ગયો હોત. દુર્ઘટના વેળા હોસ્પિટલમાં કુલ ૩૩ કોરોનાગ્રસ્ત દર્દીઓ હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં આગ ફાટી નીકળવાનો આ આઠમો બનાવ છે. રાજકોટની આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ સુઓમોટો નોંધ લઇને સરકારની ઝાટકણી કાઢીને તપાસ અહેવાલ માંગ્યો છે.
બીજી તરફ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમની કર્મભૂમિ રાજકોટ ખાતે બનેલા આ ગમખ્વાર બનાવની તપાસ રાજ્યના પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ અમરેન્દ્ર કુમાર રાકેશને સોંપી છે. આ સિનિયર અધિકારીએ રાજકોટ પહોંચી ઘટના સ્થળની વિસ્તૃત મુલાકાત લીધી હતી.
આ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘણા સમયથી આઇ કેર હોસ્પિટલ ચાલે છે, જ્યારે પહેલા - બીજા - ત્રીજા માળે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગયા સપ્ટેમ્બરથી કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઇ હતી. આમાંથી પ્રથમ માળે આવેલા આઇસીયુમાં આગની દુર્ઘટના બની હતી. આગ શોર્ટસર્કિટથી લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે કથિત લાપરવાહી બદલ હોસ્પિટલ સાથે સંકળાયેલા પાંચ ડોક્ટરો સામે ગુનો નોંધીને પિતા-પુત્ર સહિત ત્રણ ડોક્ટરની ધરપકડ કરી છે. જેમાં હોસ્પિટલની સંચાલક ગોકુલ લાઇફ કેરના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર ડો. વિશાલ મોઢા અને હોસ્પિટલ સંચાલક ડો. તેજસ કરમટાનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે બનાવ વખતે પહેલા, બીજા, ત્રીજા માળે કુલ ૩૩ દર્દીઓ અને પહેલાં માળે આઇસીયુમાં બે ભાગ પૈકી એકમાં ૭ અને બીજાંમાં ૪ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. વેન્ટિલેટર-એચએફએનસી યાને હાઇ ફ્લો નેસલ કેન્યુલામાં હીટરે, ઓક્સિજનના વધારે ફ્લોને કારણે વધુ ગરમી પકડતાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
દર્દીએ કહ્યું કે આગ લાગી છે, નર્સ બોલી સૂઈ જાઓ...
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડની દર્દનાક ઘટનામાં એવી વિગત બહાર આવી છે કે સાયરન વાગતા દર્દીએ કહ્યું હતું કે આગ લાગી છે તો મહિલા નર્સ બોલી કે કોઈના મોબાઈલની રીંગટોન વાગી હશે, તમે સૂઇ જાઓ... જોકે તે પછી આઈસીયુમાંથી આગના ધૂમાડા નીકળતા તબીબી સ્ટાફ દોડતો થયો હતો. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં તો ત્રણ દર્દી ભડથું થઇ ગયા હતા અને બાકીના બે દર્દી અન્ય હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો.
મૃતકોને રૂ. ૪ લાખની સહાય...
ઉદય શિવાનંદ કોવિડ-૧૯ સ્પેશિયલ હોસ્પિટલમાં આગના બનાવ સંદર્ભે મુખ્ય પ્રધાને રાતે જ માહિતી મેળવીને બચાવ, દર્દીઓના શિફ્ટીંગની વ્યવસ્થાઓ વગેરે માટે જરૂરી સુચના આપી હતી. ‘આ અત્યંત દુઃખદ બનાવ છે, જવાબદાર સામે કાર્યવાહી થશે’ તેમ કહેતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાને મૃતકોના પરિવાજનોને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના આ બનાવ સંદર્ભે મુખ્ય પ્રધાને રાતે જ વિગતો મેળવીને પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને તપાસ સોંપી છે. તેમના રિપોર્ટમાં જે કોઈ જવાબદારો જણાશે તેની સામે કાર્યવાહી થશે એમ નીતિન પટેલે ઉમેર્યુ હતું.
... પણ મારો ભાઈ પાછો નથી આવવાનો
કોરોનાને બદલે આગમાં સગા ભાઈને ગુમાવનારી બહેને કહ્યું કે સરકાર ૪ લાખ શું ૪ કરોડ આપે તો પણ મારો ભાઈ થોડી પાછો આવવાનો છે? મૃતક સંજયભાઈ રાઠોડના બહેન સંધ્યાબેને વિલાપ કરતા જણાવ્યું કે, ૨૪મીએ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા પહેલા પરમ હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં જગ્યા નહોતી. જેથી ગોકુલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી રાત્રે જ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આઈસીયુમાં તેમને દાખલ કર્યા. ઓક્સિજન ઘટીને ૪૦ થઇ જતા ગુરૂવારે બપોરે જ વેન્ટીલેટર પર લેવાયા હતા.
તપાસ ટીમની રચના: ગૃહ પ્રધાન
રાજકોટની ઘટનામાં ઝીણવટભરી અને તલસ્પર્શી તપાસ થાય તે માટે રાજકોટ શહેરના ડીસીપીના અધ્યક્ષસ્થાને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કર્યાનું જણાવતા ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અધિકારીએ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં આવા બનાવો ક્યાંય પણ ન બને તે માટે સરકાર સતત ચિંતિત છે.
સંચાલકોની ઘોર બેદરકારી છતી થઇ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં વેન્ટિલેશનનો અભાવ, એક્ઝિટ બંધ તથા ઈમરજન્સી ગેટ પણ બંધ હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ગોકુલ લાઈફ કેર પ્રા.લી. નામે હોસ્પિટલ ચલાવતા કંપની ચેરમેન ડો. પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ મોઢા તેમજ અન્ય ત્રણ તબીબો તેજસ કરમટા, તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની પુછતાછ હાથ ધરી છે.
ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આગની ઘટનાના પગલે સરકાર દ્વારા તટસ્થ તપાસના આદેશ થયા છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને હાથ ધરાયેલી તપાસમાં ઓનપેપર પ્લાન અને નિયમ મુજબ બધું દર્શાવાયું હતું પરંતુ હોસ્પિટલ પર આવી કોઈ સુવિધાઓ હતી નહીં. પ્રથમદર્શનીય રીતે જ હોસ્પિટલના સંચાલકોની ઘોર બેદરકારી પુરવાર થઈ હતી. હોસ્પિટલમાં આઈસીયુમાં વેન્ટિલેશન ન હોવાથી આગનો ધુમાડો અંદર જ પ્રસરી ગયો. ઈમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર નીકળવા માટે આવો કોઈ દરવાજો ન હતો. તેમજ ૨૦૧૬થી હોસ્પિટલો માટે ફરજીયાત અમલી એવી ઓટોમેટિક સ્પ્રીન્કલ સિસ્ટમ પણ ન હતી.

આ હીરોને કારણે અનેક દર્દીના જીવ બચ્યા
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં કુલ પાંચના મોત થયા છે, પણ જો આગ આઇસીયુથી આગળ વધી ગઇ હોત તો બીજા માળે અને અગાસી પર રહેલા ૩૦થી વધુ દર્દી અને સ્ટાફ પર પણ જોખમ હતું. જોકે ફાયર ફાઇટર અને નર્સિંગ સ્ટાફની બહાદૂરીને કારણે બધાના જીવ બચ્યા હતા. આગ લાગતા જ નર્સિંગ સ્ટાફે પોતાના જાનની પરવા કર્યા વગર દર્દીઓને શિફ્ટ કરવાનું શરૂ કર્યું હતું. ફરજ પર હાજર ડો. નિરવ કરમટા સહિતના તબીબોએ બારીઓના કાચ ફોડીને ધૂમાડો બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો, જેથી લોકો ગૂંગળાઇ ન જાય. આમ કરવા જતાં નર્સિંગ સ્ટાફ અને તબીબોના હાથમાં ઇજા પણ થઇ હતી. દર્દીઓને અગાસી પર લઇ જઇને સતત મેડિકલ ઓબ્ઝર્વેશન ચાલુ રાખ્યું હતું.
દર્દીઓને ખભે બેસાડી ધાબે પહોંચાડયા
વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીઓને તેમજ ઉપરના માળે રહેલા ૩૩ દર્દીને બચાવવા માટે હોસ્પિટલના સ્ટાફ અને તબીબોએ કોરોનાની પરવા કર્યા વગર ખભા ઉપર નાખીને અગાશીમાં પહોંચાડયા હતા. પીપીઈ કિટની રાહ જોયા વગર કામગીરી શરૂ કરીને આ દર્દીઓને બચાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી.
બીજી તરફ ફાયરબ્રિગેડને આગનો કોલ આવતા ફક્ત એક જ મિનિટમાં પ્રથમ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે કહ્યું હતું કે જેટલા પણ જવાનોને ખબર પડી તે બધા જ વાહનો પર ચડી ગયા અને ૬ ફાયર ફાઇટર સહિત ૫૦ જવાન પહોંચી ગયા હતા. તેમણે આગમાં કૂદી પડીને કોરોના સંક્રમિત દર્દીઓને બાથમાં ભીડીને બહાર લાવ્યા હતા. આ સમયે તેઓને કોરોના કે આગનો ડર પણ ન હતો. આ બહાદૂર પર બધાને ગર્વ છે. માત્ર ૧૦ જ મિનિટમાં આગ બુઝાવી દેવામાં આવી હતી.

તથ્યોને દબાવો નહીંઃ સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ સાથે ઉધડો લીધો

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે તથ્યોને દબાવવાના કોઈ પ્રયત્ન ન થવા જોઈએ. કોર્ટે કહ્યું, ‘અમે ગુજરાતનો જવાબ જોયો છે, પાંચ લોકોનાં મોત થયાં છે. આ કયા પ્રકારની એફિડેવિટ છે. તથ્યોને દબાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ.’ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની સુઓમોટો નોંધ લઇને વધુ સુનાવણી મંગળવારે નિર્ધારિત કરી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણની બૅન્ચે કહ્યું હતું કે તપાસ સમિતિઓ બનાવવામાં આવી. એફઆઈઆર દાખલ કરવામાં આવી પણ લોકોને કોઈપણ કારણોસર જામીન મળી ગયા. સમિતિઓ બાદ સમિતિઓ બનાવવામાં આવી પરંતુ કંઈ થયું નહીં. બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ મામલા પર તેઓ ધ્યાન આપે સારી રીતે એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે. તુષાર મહેતાએ બેન્ચને કહ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે અને રાજ્ય સરકાર સાથે આ મામલે વાત કરશે. હવે આ મામલાની આગળની સુનાવણી ત્રીજી ડિસેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે રાજકોટની આગની ઘટનાને આઘાતજનક ગણાવી અને કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. આ સરકારી ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની સ્થિતિ દર્શાવે છે કારણ કે આવી ઘટના બીજાં સ્થળો એ પણ બની છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાથી થતાં મૃત્યુ અંગેની સુનાવણી દરમિયાન ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાજકોટની આગની દુર્ઘટના અંગે સુઓમોટો નોંધ લીધી હતી.
ખંડપીઠે નોંધ્યું હતું કે, આ ઘટના આઘાતજનક છે પરંતુ પહેલી ઘટના નથી. તેથી સરકારે ફાયર સેફ્ટી મુદ્દે નિરિક્ષણ કરવું જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહે ટકોર કરી હતી કે જે થયું તે યોગ્ય નથી, આવી દુર્ઘટનાઓ જુદી જુદી હોસ્પિટલોમાં શા માટે બનતી જ રહે છે? આ ઉપરાંત જસ્ટિસ રેડ્ડીએ પણ ટકોર કરી હતી કે આવી દુર્ઘટનાઓનાં ઘણાં કિસ્સાઓમાં જે તે સ્થળ પર અગ્નિશમન સાધનો હોતા નથી અને ઇલેક્ટ્રિક લાઈન પણ ખામીયુક્ત હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter