રાજકોટઃ શહેરની તમામ ૩૭ સરકારી સ્કૂલો પોતાની શૈક્ષણિક પદ્ધતિને વધુ પ્રગતિશીલ બનાવવા સાથે અનેરા શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાઈ છે. જૂનથી શરૂ થઈ રહેલા નવા સત્રથી રાજકોટ જિલ્લાની તમામ ૩૭ જેટલી સરકારી શાળામાં હવેથી વિદ્યાર્થીઓ ધો. ૯થી ૧૨ સુધીનું સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું શિક્ષણ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે.
આ સેવાકાર્ય રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલના શિક્ષક અને સરકારી શિક્ષક સંઘના પ્રમખ સિદ્ધરાજસિંહ જાલાની મહેનતથી પાર પડ્યું છે. સિદ્ધરાજસિંહે આ અંગે જણાવ્યું હતું કે, ગરીબ અને માધ્યમવર્ગમાં હાઇસ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયો વધી ગયો હતો. તેથી સંઘના માધ્યમથી સરકારને હાઇસ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને ફીના ભારણથી મુક્ત કરીને તેમને શિક્ષણ આપવાનો પ્રસ્તાવ મુકાયો હતો.
આ કાર્યમાં વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ખર્ચ શિક્ષકો અને દાતાઓ દ્વારા ઉપાડવા અંગેની રજૂઆત કરાઈ હતી. જેને શિક્ષણ વિભાગે પણ વધાવી લીધી હતી. આ શિક્ષણકાર્ય અંગે મંજૂરી આપતો પરિપત્ર પણ રાજકોટ ડીઈઓ રમેશ ઉપાધ્યાયના મારફતે જિલ્લાની તમામ સરાકરી હાઈસ્કૂલોને મોકલવામાં આવ્યો હતો. જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી રાજકોટ શહેરમાં આવેલી કરણસિંહજી, બાઈ સાહેબબા, ગોંડલમાં મોંઘીબા ગર્લ્સ હાઇસ્કૂલ, જેતપુર કમરીભાઈ, ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય અને ભગવતસિંહજી, અમરનગર, પડધરી તેમજ આરએમએસએની કૂવાડવા, બાવરણ, હડાલા, વિંછિયા, જસદણમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯થી ૧૨ સુધી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય શાખામાં એક પણ પૈસો ચૂકવ્યા વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ શિક્ષણયજ્ઞમાં રાજકોટ જિલ્લાના ઘણા શિક્ષકો તન મન ધનથી જોડાયાં છે.